VIDEO: "... તો હું 24 કલાકમાં રાજીનામું આપી દઈશ", TMC છોડી ગયેલા નેતાઓને અભિષેક બેનર્જીની ઓપન ચેલેન્જ
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. તૃણમ

પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જીએ વિરોધીઓ અને પક્ષ છોડી ગયેલા નેતાઓ સામે આકરા પ્રહારો કરીને એક મોટો અને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો બળવાખોર નેતાઓ મમતા બેનર્જીના નેતૃત્વને સ્વીકારીને પરત ફરે, તો તેઓ પોતે પોતાના પદ પરથી હટી જવા તૈયાર છે.
"ભાજપની સ્ક્રિપ્ટ બોલો તો જ પોલીસથી બચી શકશો"
અભિષેક બેનર્જીએ ભાજપ અને સ્થાનિક વહીવટીતંત્ર પર નિશાન સાધતા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું, "તમારે બરાબર એ જ બોલવું પડશે જે ભાજપની સ્ક્રિપ્ટમાં લખેલું છે, તો જ તમે પોલીસથી સુરક્ષિત રહી શકશો. જો તમે અભિષેક બેનર્જીને બે-ચાર ગાળો કે અપશબ્દો નહીં બોલો, તો પોલીસ તમને છોડશે નહીં. જો તમે અપમાન કરશો, તો જ સુરક્ષિત રહેશો."
2024ની જીતની જવાબદારી પર મોટું નિવેદન
પક્ષની અંદર અને બહાર ઉઠતા સવાલો પર આકરો જવાબ આપતાં તેમણે ઉમેર્યું કે, "જે લોકો 4 તારીખ પછી પક્ષ છોડી રહ્યા છે, તેમણે 4 તારીખ પહેલા જ જતા રહેવું જોઈતું હતું. 2024 ની ચૂંટણીમાં પક્ષની જીત થઈ છે. જો કોઈ પરાજય માટે અભિષેક બેનર્જીને જવાબદાર ઠેરવતું હોય, તો 2024ની આ ભવ્ય જીતની જવાબદારી પણ અભિષેક બેનર્જીની જ છે, એ વાત તમારે સ્વીકારવી પડશે."
રાજીનામું આપનારાઓને ઓપન ચેલેન્જ
પોતાની લોકપ્રિયતા અને પક્ષ પરની પકડનો દાવો કરતા તેમણે વિરોધીઓને પડકારતા કહ્યું, "જો કોઈને મારાથી તકલીફ હોય, તો હું ખુલ્લો પડકાર આપું છું. 60 જેટલા ધારાસભ્યો (MLAs), કેટલાક અન્ય લોકો અને 20 સાંસદો (MPs) પક્ષ છોડીને ગયા છે. હું તમને ચેલેન્જ આપું છું કે, તમે મમતા બેનર્જી પાસે પાછા આવી જાઓ, હું 24કલાકની અંદર મારા પદ પરથી રાજીનામું આપી દઈશ. તમે બપોરે 3 વાગ્યે પાછા આવો, હું 4 વાગ્યે પદ પરથી નીચે ઉતરી જઈશ."





