VIDEO: તૂથુકુડીમાં વિનાયક ચતુર્થીની ભવ્ય ઉજવણી પરંપરાગત બળદગાડા દોડથી માહોલ બન્યો રોમાંચક!
તૂથુકુડીમાં વિનાયક ચતુર્થીની

તૂથુકુડીમાં વિનાયક ચતુર્થીની ભવ્ય ઉજવણી
પરંપરાગત બળદગાડા દોડથી માહોલ બન્યો રોમાંચક!
બળદગાડાની હરીફાઈ જોવા હજારોની જનમેદની ઉમટી!
તમિલનાડુના તૂથુકુડી જિલ્લામાં વિનાયક ચતુર્થીના પાવન પર્વની ઉજવણી નિમિત્તે પરંપરાગત બળદગાડા દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તમિલનાડુની પ્રાચીન સંસ્કૃતિ અને ગ્રામીણ પરંપરાનો હિસ્સો ગણાતી આ રોમાંચક સ્પર્ધાને જોવા માટે હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો તેમજ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તહેવારના પાવન અવસરે યોજાયેલી આ સ્પર્ધાથી સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો અનેરો માહોલ સર્જાયો હતો. આ પરંપરાગત રેસમાં તૂથુકુડી અને આસપાસના જિલ્લાઓમાંથી ઉત્તમોત્તમ બળદગાડા અને તેના માલિકોએ ભાગ લીધો હતો. સ્પર્ધા શરૂ થતાં જ ધૂળની ડમરીઓ વચ્ચે બળદોએ સપાટો બોલાવ્યો હતો અને ટ્રેક પર કાનફાડ ગર્જના સાથે દોડ લગાવતાં દિલધડક દ્રશ્યો સર્જાયા હતા. સ્પર્ધકોએ પોતાના બળદોને વિજેતા બનાવવા માટે પૂરા જોશ સાથે કૌશલ્ય દાખવ્યું હતું. આ રોમાંચક હરીફાઈએ પ્રેક્ષકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું અને લોકોએ તાળીઓના ગડગડાટ સાથે સ્પર્ધકોનો પ્રોત્સાહિત કર્યા હતા.
ધૂળની ડમરીઓ વચ્ચે ધસમસતો પ્રવાહ
તૂથુકુડીમાં જોરશોરથી યોજાઈ બળદગાડા રેસ!
તૂથુકુડીથી સામે આવેલા તાજેતરના દ્રશ્યોમાં બળદગાડા દોડનો અદ્ભુત અને રોમાંચક નજારો સ્પષ્ટ જોઈ શકાય છે. શણગારેલા બળદો અને તેમની ઝડપ કેમેરામાં કેદ થઈ છે. સ્થાનિક આયોજકોના જણાવ્યા મુજબ, ગણેશોત્સવ પ્રસંગે આવી પરંપરાગત સ્પર્ધાઓ યોજવાનો મુખ્ય હેતુ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને ગ્રામીણ રમતોને જીવંત રાખવાનો છે, જેથી નવી પેઢી પોતાની વિરાસત અને માટીની સુવાસથી જોડાયેલી રહે. વિનાયક ચતુર્થી નિમિત્તે સફળતાપૂર્વક સંપન્ન થયેલી આ બળદગાડા દોડ બાદ વિજેતા બનીને પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલા સ્પર્ધકોને વિશેષ ઇનામો અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આયોજકો અને સ્થાનિક નાગરિકોએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, આવા લોકઉત્સવો માત્ર મનોરંજન પૂરતા સીમિત નથી રહેતા પરંતુ સમાજમાં એકતા, ઉત્સાહ અને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ વધુ મજબૂત બનાવે છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી








