VIDEO: "પોતાની હાર છુપાવવા EVM અને SIR ને દોષ દેવાનું બંધ કરો!" સંજય નિરૂપમે કોંગ્રેસની કાઢી ઝાટકણી
મતદાર યાદીની વિશેષ સુધારણા ઝુંબેશ (SIR) અને ઈવીએમને લઈને વિપક્ષ દ્વારા ઉઠા

મતદાર યાદીની વિશેષ સુધારણા ઝુંબેશ (SIR) અને ઈવીએમને લઈને વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહેલા સવાલો વચ્ચે શિવસેના નેતા સંજય નિરૂપમે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પરાજય પચાવી ન શકવાના કારણે કોંગ્રેસ હવે ઈવીએમ અને એસઆઈઆર જેવી કાયદેસર પ્રક્રિયાઓ પર દોષનો ટોપલો ઢોળી રહી છે, જ્યારે હકીકતમાં આ પ્રક્રિયાની શરૂઆત કોંગ્રેસના શાસનકાળમાં જ થઈ હતી.
કોંગ્રેસના શાસનમાં જ SIR ની શરૂઆત થઈ હતી: નિરૂપમ
મીડિયા સાથે વાતચીત કરતાં સંજય નિરૂપમે યાદ અપાવ્યું હતું કે, "SIR ની પ્રક્રિયા કોંગ્રેસના શાસનકાળ દરમિયાન પણ અમલમાં મૂકવામાં આવી હતી. તે સમયે કપિલ સિબ્બલ જેવા વરિષ્ઠ નેતાઓએ રાજ્યસભામાં તેનું સમર્થન કર્યું હતું અને સ્પષ્ટપણે સમજાવ્યું હતું કે પારદર્શક ચૂંટણી માટે આ પ્રક્રિયા શા માટે જરૂરી છે."
તેમણે ઉમેર્યું કે મતદાર યાદીઓની ચકાસણી, ખરાઈ અને તેનું શુદ્ધિકરણ કરવું એ બંધારણીય રીતે ચૂંટણી પંચની પ્રાથમિક જવાબદારી છે.
યાદીમાંથી બોગસ અને મૃતકોના નામ દૂર કરવા જરૂરી
મતદાર યાદીમાં રહેલી ક્ષતિઓ તરફ ધ્યાન દોરતાં શિવસેના નેતાએ જણાવ્યું કે, "મતદાર યાદીઓમાં ઘણા નામો વારંવાર (ડુપ્લિકેટ) નોંધાયેલા હોય છે, અનેક મૃત્યુ પામેલા મતદારોના નામ હજુ પણ યાદીમાં ચાલુ રહે છે, જ્યારે ઘણા લોકો એક સ્થળેથી બીજે સ્થળાંતર કરી ગયા હોવા છતાં જૂના સરનામે જ તેમના નામ બોલતા હોય છે. આ શુદ્ધિકરણની કામગીરી લાંબા સમયથી પેન્ડિંગ હતી અને હવે ચૂંટણી પંચ દ્વારા તે હાથ ધરવામાં આવી છે."
નિરૂપમે સ્પષ્ટ શબ્દોમાં કોંગ્રેસને ઘેરતા કહ્યું કે, જે પ્રક્રિયાની શરૂઆત કોંગ્રેસે પોતે જ કરી હતી, તેના પર હવે રાજકીય હાર છુપાવવા માટે સવાલો ઉઠાવવા તદ્દન ખોટા છે. કોંગ્રેસે હવે પોતાની નિષ્ફળતાઓ ઢાંકવા ઈવીએમ અને એસઆઈઆરને દોષ આપવાનું બંધ કરવું જોઈએ.








