મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV ઓરિજિનલ

VIDEO: રાયબરેલીમાં ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી, રહીશો આક્રોશ, શેરીઓ બની તળાવ!

ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકાર

તસવીર: gstv

ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિએ તંત્રના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના નીચાણવાળા અને રહેણાંક વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના કારણે સેંકડો લોકો પોતાના જ ઘરોમાં કેદ થઈ જવા મજબૂર બન્યા છે. જળભરાવની સમસ્યા એટલી વિકટ બની છે કે રસ્તાઓ અને શેરીઓ તળાવમાં ફેરવાઈ ગઈ છે, જેનાથી સમગ્ર વિસ્તારનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ આકાશી આફત અને તંત્રની બેદરકારીની સૌથી મોટી માઠી અસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવાથી માસૂમ બાળકો શાળાએ જઈ શક્યા નથી. શાળાઓ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ હોવાના કારણે વાલીઓ પોતાના બાળકોની સુરક્ષાને લઈને ભારે ચિંતિત છે. એક સપ્તાહથી શિક્ષણ કાર્ય ઠપ્પ થઈ જતાં બાળકોનું અભ્યાસનું મોટું નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે ઘરોની અંદર સુધી પાણી ઘૂસી જતાં રાશન અને કિંમતી સામાન ખરાબ થઈ ગયો છે. દૈનિક જરૂરિયાતોની વસ્તુઓ મેળવવા કે તબીબી કટોકટી વખતે બહાર નીકળવું પણ અશક્ય બની ગયું છે. ગંદી ગટરો અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે, છતાં પ્રશાસન તરફથી કોઈ નક્કર રાહત કામગીરી હાથ ધરવામાં આવી નથી.

ગંભીર પરિસ્થિતિ વચ્ચે સ્થાનિકોમાં નગર નિગમ અને જિલ્લા પ્રશાસન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોની માંગ છે કે તાત્કાલિક ધોરણે મોટા પંપ મૂકીને વિસ્તારોમાંથી પાણી બહાર કાઢવામાં આવે અને વીજળી તેમજ પીવાના શુદ્ધ પાણીની યોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે. જો તંત્ર દ્વારા સત્વરે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો રોષે ભરાયેલા નાગરિકો રોડ પર ઉતરીને ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી રહ્યા છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો