મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV ઓરિજિનલ

VIDEO: ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય પોસ્ટર વોર શરૂ થઈ ગઈ છે

ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીનનો સમય નજીક આવતા રાજકીય માહોલ ગરમા

તસવીર: gstv

ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીનનો સમય નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે. આ સાથે લખનૌમાં પોસ્ટર વોર શરુ થઇ ગયું છે. લખનૌમાં સોમવારે એક પોસ્ટર સામે આવ્યું, જેમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની તસવીર સાથે અતીક અહેમદ, મુખ્તાર અંસારી અને આઝમ ખાનની તસવીરો લગાવવામાં આવી હતી. પોસ્ટરમાં સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવને નિશાન બનાવતા સૂત્રો લખવામાં આવ્યા હતા. પોસ્ટરમાં ‘આઝમ, અતીક ઔર મુખ્તાર, યહી ચલાતે થે સરકાર’ અને ‘અખિલેશ કે માફિયા, માફિયા કે અખિલેશ’ જેવા શબ્દો લખવામાં આવ્યા હતા. આ પોસ્ટરો માત્ર લખનૌ પૂરતા સીમિત રહ્યા નથી, પરંતુ ઉત્તર પ્રદેશના અન્ય કેટલાક શહેરોમાં પણ અખિલેશ યાદવ અને આ નેતાઓની તસવીરો સાથે આવા પોસ્ટરો જોવા મળ્યા હતા. જોકે, આ પોસ્ટરો કોણે લગાવ્યા તેની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.

કેટલાક સ્થળોએ સમાજવાદી પાર્ટીના કાર્યકરો દ્વારા પોસ્ટરો સામે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, આ પોસ્ટરનો જવાબ આપવા બીજા જ દિવસે લખનૌમાં સમાજવાદી પાર્ટી કાર્યાલયની બહાર એક અલગ પ્રકારનું પોસ્ટર જોવા મળ્યું હતું. આ પોસ્ટરમાં અખિલેશ યાદવ ભગવાન હનુમાનની સામે હાથ જોડીને બેઠેલા બતાવવામાં આવ્યા હતા. ભગવાન હનુમાન તેમને આશીર્વાદ આપતા દર્શાવવામાં આવ્યા હતા. પોસ્ટર પર મોટા અક્ષરે ‘વિજય ભવઃ 2027’ લખવામાં આવ્યું હતું. આ પોસ્ટરને અખિલેશ યાદવના જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે. અખિલેશ વિરોધી પોસ્ટરમાં સપાને મુસ્લીમ પાર્ટી અને ગુંડાઓની પાર્ટી તરીકે દર્શાવવામાં આવી હતી. સપાના કાર્યકરોએ તેના જવાબમાં અભિલેષને હનુમાન અને રામના ભક્ત તરીકે દર્શાવ્યા છે. આ પોસ્ટરો કોણે લગાવ્યા તે જાણી શકાયું નથી.

એક તરફ અખિલેશ યાદવને અતીક અહેમદ, મુખ્તાર અંસારી અને આઝમ ખાન સાથે દર્શાવીને તેમની રાજકીય છબીને નિશાન બનાવવાનો પ્રયાસ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ હનુમાનના આશીર્વાદ સાથેનું પોસ્ટર અખિલેશ યાદવને અલગ રાજકીય અને ધાર્મિક પ્રતીક સાથે રજૂ કરે છે. ઉત્તર પ્રદેશની રાજનીતિમાં કાયદો-વ્યવસ્થા, ગુનાખોરી અને રાજકીય સંબંધોના મુદ્દાઓ અગાઉથી જ ચર્ચામાં રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની આગેવાની હેઠળની સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે રાજકીય ટક્કર છે. આ વખતની ચૂંટણીમાં યોગી ફરી મેદાન મારી જશે કે અખિલેશ મજબુતાઇથી આગળ વધશે તેના પર મદાર છે.

---- બ્યૂરો રિપોર્ટ -  જીએસટીવી

આ સમાચાર શેર કરો