શ્રાવણ માસના અંતિમ સોમવારના પાવન અવસરે સોમનાથ મંદિરમાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો. અખિલ ભારતીય સનાતન પરિષદના રાષ્ટ્રીય સચિવ વિનુભાઈ પરમારે ભક્તો સાથે સોમનાથ દાદાના ચરણોમાં ધજા અર્પણ કરી હતી.
સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર અને સમાજસેવાના વિવિધ કાર્યોમાં અગ્રેસર રહેતા વિનુભાઈ પરમાર મોટી સંખ્યામાં ભક્તો સાથે સોમનાથ પહોંચ્યા હતા. ધજા અર્પણ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો તેમની સાથે જોડાયા હતા.
સોમનાથ મહાદેવને ધજા અર્પણ કરતી વખતે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ વિનુભાઈ પરમારે સોમનાથ દાદાના ચરણોમાં ધજા અર્પણ કરવાની તક મળતા ધન્યતા અનુભવી હોવાનું જણાવ્યું હતું. શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ભક્તિભાવ અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.