VIDEO: "હવે રાષ્ટ્રવાદી દળોનું શાસન છે": પશ્ચિમ બંગાળમાં મધ્યાહન ભોજન યોજનાના લોકાર્પણ સમયે CM સુવેન્દુ અધિકારીનું વિપક્ષ પર નિશાન
પશ્ચિમ બંગાળમાં શાળાના બાળકો માટે પોષણ

પશ્ચિમ બંગાળમાં શાળાના બાળકો માટે પોષણક્ષમ આહાર નિશ્ચિત કરવાના હેતુથી રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ઈસ્કોન (ISKCON) ના સહયોગથી મિડ-ડે મીલ (મધ્યાહન ભોજન) યોજનાના નવતર તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે. પ્રાથમિક તબક્કે 500 પ્રાથમિક અને અપર-પ્રાથમિક શાળાઓના 44000 વિદ્યાર્થીઓથી શરૂ કરાયેલી આ યોજના આગામી 3 મહિનામાં રાજ્યભરના 2.5 લાખ વિદ્યાર્થીઓ સુધી વિસ્તારવામાં આવશે.
સાત્વિક ભોજન સાથે પોષણની પણ પૂરતી વ્યવસ્થા
મિડ-ડે મીલ યોજના અંગે સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર પૂરો પાડવા માટે ઈસ્કોન સાથે મળીને કામ કરી રહ્યા છીએ. પશ્ચિમ બંગાળમાં માછલી અને ઈંડાનો આહારમાં ઉપયોગ સામાન્ય છે અને તેના પર સરકાર તરફથી કોઈ પ્રતિબંધ નથી. ઈસ્કોન દ્વારા શુદ્ધ સાત્વિક ભોજન પીરસવામાં આવશે, જ્યારે બાળકોની માંગણીને ધ્યાને રાખીને અઠવાડિયામાં બે વાર અલગથી ઉકાળેલા ઈંડા આપવામાં આવશે."
"વિપક્ષ શું કહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી"
વિપક્ષ દ્વારા કરવામાં આવતી ટીકાઓનો જવાબ આપતાં મુખ્યમંત્રીએ મક્કમતા દર્શાવી હતી કે, "વિપક્ષ શું બોલે છે તેના પર અમે ધ્યાન આપતા નથી, અમે એ જ કરીશું જે જનતા ઈચ્છે છે. શાળાઓમાં આપવામાં આવતું આ ભોજન પ્રોટીનથી ભરપૂર અને પૌષ્ટિક હશે. છેલ્લા 34 વર્ષ (વામપંથી શાસન) અને ત્યારબાદના 15 વર્ષ સુધી અલગ જ માનસિકતા ધરાવતા લોકોએ રાજ્ય પર શાસન કર્યું હતું, તેઓ રાષ્ટ્રવાદી દળો નહોતા. પરંતુ હવે રાજ્યમાં રાષ્ટ્રવાદી દળોનું આગમન થયું છે, એટલે તમામ વ્યવસ્થાઓ ધીમે ધીમે યોગ્ય સ્થાને ગોઠવાઈ જશે."
ઈસ્કોનની હાઈજીનિક રસોઈ અને પ્રોટીનયુક્ત આહારના આ નવા મોડેલથી પશ્ચિમ બંગાળના શાળાકીય શિક્ષણ અને બાળકોના સ્વાસ્થ્યમાં સકારાત્મક પરિવર્તન આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.





