VIDEO: કોલકાતા એરપોર્ટ છાવણીમાં ફેરવાયું: રનવે વચ્ચેની મસ્જિદમાં નમાજ પઢવા પર પ્રતિબંધ બાદ સ્થિતિ વણસી, CAPF તૈનાત!
પશ્ચિમ બંગાળની રાજધ

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એરપોર્ટ પરિસરમાં આવેલી મસ્જિદને લઈને માહોલ ગરમાયો છે. કોલકાતા એરપોર્ટના બે રનવે વચ્ચે આવેલી આ મસ્જિદમાં નમાજ પઢવા પર હાલમાં રોક લગાવી દેવામાં આવી છે. આ દરમિયાન મસ્જિદ કમિટી દ્વારા મસ્જિદને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાની ચર્ચા પણ થઈ હતી, જેના પક્ષમાં કમિટીના કેટલાક સભ્યો છે, જ્યારે એક જૂથ તેનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યું છે. બીજી તરફ, જમીયત ઉલેમા-એ-હિન્દના બંગાળ એકમના વડા સિદ્દિકુલ્લાહ ચૌધરીએ આ પ્રતિબંધ હોવા છતાં પણ શુક્રવારે (જુમાની) નમાજ તે જ મસ્જિદમાં પઢવાની જાહેરાત કરતા વિવાદ વધુ વકર્યો છે.
સિદ્દિકુલ્લાહ ચૌધરી નમાજ પઢવાની જીદ પર અડ્યા
સિદ્દિકુલ્લાહ ચૌધરી મસ્જિદમાં જ નમાજ પઢાવવાની માંગ પર અડી ગયા હતા અને જો તેમને રોકવામાં આવશે તો વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ આપી હતી. જોકે, બાદમાં તેઓ એરપોર્ટ નજીક આવેલા પોતાના ઘરેથી કોલકાતાના પોલીસ કમિશનરને મળવા માટે બિધાનનગર જવા રવાના થયા હતા. આ પરિસ્થિતિને જોતા પોલીસ અને વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. આ મામલે એક સ્થાનિક ઈમામે પોલીસ સાથે વાતચીત કરી હતી. પોલીસે ઈમામને સ્પષ્ટ જણાવ્યું હતું કે એરપોર્ટ પરિસરમાં આવેલી મસ્જિદમાં નમાજ પઢવાની પરવાનગી નથી અને વિસ્તારમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 163 (નિષેધાજ્ઞા) લાગુ કરી દેવામાં આવી છે. પોલીસની સમજાવટ બાદ ઈમામે અન્ય કોઈ જગ્યાએ નમાજ પઢવાની વાત સ્વીકારી હતી.
હાલમાં એરપોર્ટની આસપાસ અને મસ્જિદ તરફ જતા તમામ રસ્તાઓ પર ભારે સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. મસ્જિદ તરફ જતી દરેક ગલી પર સુરક્ષાકર્મીઓનો કડક પહેરો છે, જેમાં પુરૂષ પોલીસકર્મીઓની સાથે મહિલા સુરક્ષાકર્મીઓ અને સીએપીએફ (CAPF) ના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ પરિસરની આ ગૌરીપુર મસ્જિદમાં લાંબા સમયથી નમાજ પઢવામાં આવતી હતી, પરંતુ સુરક્ષા અને અન્ય કારણોસર પશ્ચિમ બંગાળ સરકારે તાજેતરમાં જ અહીં નમાજ પઢવા પર રોક લગાવવાની જાહેરાત કરી હતી, જેનો હવે ભારે વિરોધ થઈ રહ્યો છે.






