મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: સોનમ વાંગચુક નહીં, તો કોણ છે ‘3 Idiots’ નો અસલી રેંચો? આમિર ખાનના એક નિવેદને તોડી નાખ્યા કરોડો ફેન્સનો ભ્રમ!

‘3 ઇડિયટ્સ’

તસવીર: gstv

‘3 ઇડિયટ્સ’ ફિલ્મને રિલીઝ થયાને 17 વર્ષ થવા આવ્યા છે, પરંતુ ફિલ્મનું સૌથી મોટું રહસ્ય આજે પણ લોકોમાં ચર્ચાનો વિષય બનેલું છે. આમિર ખાને ભજવેલું ‘રેંચો’ ઉર્ફે ‘ફુન્સુખ વાંગડુ’નું પાત્ર આખરે કોના જીવનથી પ્રેરિત હતું? વર્ષો સુધી મોટાભાગના લોકો આને સોનમ વાંગચુકની કહાની માનતા રહ્યા, પરંતુ હવે ખુદ આમિર ખાનના એક નિવેદને આ ધારણાને પણ તોડી નાખી છે. આ પછી સોશિયલ મીડિયા પર ફરી એ જ સવાલ ગુંજવા લાગ્યો છે કે જો ‘રેંચો’ સોનમ વાંગચુક નહોતા, તો આખરે તે વ્યક્તિ કોણ હતો જેણે બોલિવૂડના સૌથી યાદગાર પાત્રોમાંથી એકને જન્મ આપ્યો?

આમિર ખાનના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દિગ્દર્શક રાજકુમાર હિરાનીએ આ પાત્રના અસલી આત્મા વિશે જણાવ્યું છે. જો ફિલ્મના મેકર્સના નિવેદનોને ફંફોસવામાં આવે, તો રેંચોના પાત્ર પાછળ એક નહીં, પરંતુ 4 અલગ-અલગ રસપ્રદ વાર્તાઓ સામે આવે છે.

ચેતન ભગતની નવલકથા અને વિવાદ

ઓફિશિયલ રીતે ‘3 ઇડિયટ્સ’ લેખક ચેતન ભગતની ચર્ચિત નવલકથા ‘ફાઇવ પોઇન્ટ સમવન’ પર આધારિત છે. જોકે, ફિલ્મ રિલીઝ થયા પછી ચેતન ભગતે આક્ષેપ કર્યો હતો કે તેમને ફિલ્મમાં યોગ્ય ક્રેડિટ આપવામાં આવી નથી. આ વિવાદે પણ તે સમયે ઘણી હેડલાઇન્સ મેળવી હતી.

સોનમ વાંગચુકનું કનેક્શન

વર્ષ 2009માં જ્યારે ‘3 ઇડિયટ્સ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારે દર્શકોમાં એ ધારણા ઝડપથી બની ગઈ કે ફિલ્મમાં આમિર ખાનનું ફુન્સુખ વાંગડુવાળું પાત્ર લદ્દાખના એન્જિનિયર, શિક્ષણવિદ અને ઇનોવેટર સોનમ વાંગચુકના જીવનથી પ્રેરિત છે. શિક્ષણ વ્યવસ્થાને લઈને તેમનો અલગ દ્રષ્ટિકોણ, ઇનોવેશન માટેની તેમની ઓળખ અને લદ્દાખ સાથેના તેમના જોડાણે આ ચર્ચાને વધુ હવા આપી હતી. જોકે, ખુદ સોનમ વાંગચુકે અવારનવાર આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે ફિલ્મનું પાત્ર તેમની બાયોપિક નથી. તેમના મતે, એ શક્ય છે કે તેમના વ્યક્તિત્વ કે કામના કેટલાક પાસાઓમાંથી પ્રેરણા લેવામાં આવી હોય, પરંતુ ફુન્સુખ વાંગડુની આખી વાર્તા તેમના જીવન પર આધારિત નથી.

FTIIના એક વિદ્યાર્થીની અસલી વાર્તા

જો સોનમ વાંગચુક નહીં, તો પછી રેંચો કોના પર બેઝ્ડ છે? આનો જવાબ ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ પોતે આપ્યો છે. એક ઇન્ટરવ્યુમાં રાજકુમાર હિરાનીએ જણાવ્યું હતું કે રેંચોનું પાત્ર ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII) ના એક વિદ્યાર્થીથી પ્રેરિત છે. તેમણે કહ્યું, "આમિરનું પાત્ર અમારી ફિલ્મ સ્કૂલના એક વિદ્યાર્થીથી પ્રેરિત હતું, જેનું નામ હું જાહેર ન કરી શકું. તે ફિલ્મમેકર બનવા માંગતો હતો પરંતુ તેને FTIIમાં એડમિશન મળ્યું ન હતું."

તેમણે આગળ જણાવ્યું કે, "તેના એક મિત્રનું સિલેક્શન થઈ ગયું હતું, પરંતુ તેના પિતાએ તેને જોઈન કરવાની ના પાડી દીધી. ત્યારે જે વિદ્યાર્થીને એડમિશન નહોતું મળ્યું, તેણે પોતાના મિત્રની ઓળખ અપનાવી લીધી અને 3 વર્ષ સુધી FTII માં ફિલ્મમેકિંગ શીખ્યું. સૌથી રસપ્રદ બાબત ત્યારે સામે આવી જ્યારે ગ્રેજ્યુએશન વખતે સત્ય બહાર આવ્યું. જ્યારે લોકોએ તેને કહ્યું કે તેને સર્ટિફિકેટ નહીં મળે, ત્યારે તેણે જવાબ આપ્યો, 'મને સર્ટિફિકેટ નહોતું જોઈતું. હું ફક્ત ફિલ્મમેકિંગ શીખવા માંગતો હતો.'" હિરાનીએ કહ્યું કે આ જ એ ક્ષણ હતી જેણે તેમને પ્રેરિત કર્યા, કારણ કે શિક્ષણ સર્ટિફિકેટ વિશે નથી.

વિધુ વિનોદ ચોપરાનો પોતાનો દાવો

પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. ફિલ્મના નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ વર્ષો પછી એક તદ્દન અલગ જ દાવો કર્યો. NFDC ફિલ્મ બજાર દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે રેંચોનું પાત્ર તેમના પોતાના જીવનથી પ્રેરિત છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ કોલેજ દરમિયાન ભાગ્યે જ ક્લાસમાં જતા હતા અને અંતિમ પરીક્ષામાં નાપાસ પણ થયા હતા. બાદમાં જ્યારે તેમની ફિલ્મ ઓસ્કર માટે નોમિનેટ થઈ, ત્યારે સંસ્થાએ તેમનું સન્માન કરીને તેમને પાસિંગ સર્ટિફિકેટ સોંપ્યું હતું.

વિધુ વિનોદ ચોપરાએ એ પણ જણાવ્યું કે તેમનો પરિવાર ઈચ્છતો હતો કે તેઓ ડોક્ટર બને, પરંતુ તેમણે ફિલ્મમેકર બનવાનું પોતાનું સપનું લાંબા સમય સુધી પરિવારથી છુપાવી રાખ્યું હતું. જ્યારે તેમણે ઓસ્કર નોમિનેશન પછી પોતાના પિતાને સત્ય જણાવ્યું, ત્યારે તેમના પિતાએ પ્રેમથી તેમને થપ્પડ મારતા કહ્યું હતું કે, "તેં મને મૂર્ખ બનાવ્યો."

નામ પાછળનું રહસ્ય

વર્ષ 2021માં લદ્દાખમાં આયોજિત પ્રથમ 'હિમાલયન ફિલ્મ ફેસ્ટિવલ' દરમિયાન વિધુ વિનોદ ચોપરાએ વધુ એક રહસ્ય ખોલ્યું હતું. તેમણે જણાવ્યું કે ફિલ્મના અંતમાં જે ટ્વિસ્ટ આવે છે, જ્યાં રેંચોનું અસલી નામ 'ફુન્સુખ વાંગડુ' નીકળે છે, તે નામ ખરેખર તેમના FTII ના એક સહપાઠી (ક્લાસમેટ) થી પ્રેરિત હતું. વિધુ વિનોદ ચોપરાના એ ક્લાસમેટનું નામ ફુંતસોક (Phuntsok) હતું, જેમને તેઓ પ્રેમથી 'ફુંતસોક લદ્દાખ' કહીને બોલાવતા હતા. આ જ નામને થોડું બદલીને ફિલ્મમાં વાપરવામાં આવ્યું હતું.

આ બધાના મિશ્રણ પછી એક વાત તો સ્પષ્ટ છે કે આ પાત્ર કોઈ એક વ્યક્તિ પર આધારિત નહોતું, પરંતુ કેટલાય વાસ્તવિક અનુભવો, વ્યક્તિઓ અને ઘટનાઓનું મિશ્રણ હતું. ‘3 ઇડિયટ્સ’ જ્યારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારે આ ફિલ્મે લોકોના દિલ પર રાજ કર્યું. 24 ડિસેમ્બર 2009ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતાના ઝંડા ગાડ્યા હતા. ફિલ્મનું બજેટ 77 કરોડ હતું અને ફિલ્મે 460 કરોડનું શાનદાર કલેક્શન કર્યું હતું.

આ સમાચાર શેર કરો