મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: ICC એન્યુઅલ મીટિંગમાં મળ્યા 4 મોટા અપડેટ, WTCમાં ટીમનો વધારો અને ODIમાં ઓવર્સનો ઘટાડો કરવાનો રાખ્યો પ્રસ્તાવ

સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગમાં 8 જુલાઈથી 11 જુલાઈ સુધી ચાલેલી

તસવીર: gstv

સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગમાં 8 જુલાઈથી 11 જુલાઈ સુધી ચાલેલી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની વાર્ષિક બેઠક પૂર્ણ થઈ ગઈ છે. 4 દિવસ સુધી ચાલેલી આ હાઈ-લેવલ મીટિંગમાં વૈશ્વિક ક્રિકેટના ભવિષ્ય અને નિયમોને લઈને કેટલાય મહત્ત્વના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાંથી ક્રિકેટ જગતને ચોંકાવે તેવા કેટલાક પ્રસ્તાવો સામે આવ્યા હતા. જેમાં ODI ક્રિકેટમાં ઓવર્સની સંખ્યા 50થી ઘટાડીને 40 કરવા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં ટીમોની સંખ્યા વધારવાનો સમાવેશ થાય છે. જોકે, આ મોટા સુધારા પર કોઈ આખરી સહમતિ બની શકી નથી.

50 ઓવરનો જ રહેશે ODI ફોર્મેટ

છેલ્લા કેટલાક સમયથી ODI ક્રિકેટના અસ્તિત્વ અને તેની લોકપ્રિયતાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આ બેઠકમાં ODI મેચોમાં ઓવર્સની સંખ્યા 50થી ઘટાડીને 40 કરવા પર ગંભીર વિચારણા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1987ના વર્લ્ડ કપ પહેલા ODI મેચોમાં દરેક ઈનિંગ 60 ઓવરની થતી હતી. હવે તેના 39 વર્ષ બાદ ફરી એકવાર ઓવર્સ ઘટાડવાનો પ્રસ્તાવ મુકાયો હતો, પરંતુ સભ્યો વચ્ચે સહમતિ ન બનવાના કારણે હાલ પૂરતું ODI ફોર્મેટ 50 ઓવરનું જ રાખવાનો નિર્ણય લેવાયો છે.

WTCમાં ટીમોની સંખ્યામાં કોઈ વધારો નહીં

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની આગામી સાયકલમાં ટીમોની સંખ્યા વધારીને 12 કરવાની દરખાસ્ત હતી, જેમાં અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડને સામેલ કરવાની યોજના હતી. પરંતુ, આ પ્રસ્તાવ પર કોઈ સકારાત્મક નિષ્કર્ષ નથી નીકળી શક્યો. પરિણામે, WTCમાં હાલની જેમ માત્ર 9 ટીમો જ ભાગ લેવાનું ચાલુ રાખશે. આ 9 દેશોમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે.

USA અને કેનેડા ક્રિકેટ બોર્ડને કોઈ રાહત નહીં

યુએસએ (USA) ક્રિકેટ બોર્ડને ICC દ્વારા સપ્ટેમ્બર 2025માં સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. બેઠકમાં સ્વીકારવામાં આવ્યું હતું કે 2028માં લોસ એન્જલસ ખાતે યોજાનારા ઓલિમ્પિક્સ પહેલાં અમેરિકા પરથી પ્રતિબંધ હટવો જરૂરી છે, છતાં પણ હાલ પૂરતું તેમનું સસ્પેન્શન યથાવત રાખવામાં આવ્યું છે. બીજી તરફ, જૂન 2026માં જ સસ્પેન્ડ કરાયેલા કેનેડા ક્રિકેટ બોર્ડને પણ કોઈ રાહત મળી નથી અને તે પણ હાલ પ્રતિબંધિત જ રહેશે.

મોરિશિયસ બન્યું ICCનું 111મું એસોસિએટ સભ્ય

વિશ્વભરમાં ક્રિકેટની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. ICCએ મોરિશિયસને સત્તાવાર સભ્યપદ એનાયત કર્યું છે. આ સાથે જ મોરિશિયસ ICCનું સભ્યપદ મેળવનારો વિશ્વનો 111મું દેશ બની ગયો છે. મોરિશિયસને હાલ પૂરતું એસોસિએટ મેમ્બર તરીકે સામેલ કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો