શું ગીરનો સિંહ ઉત્તરાખંડ પહોંચ્યો? આચાર્ય બાલકૃષ્ણનો સિંહ દેખાયાનો દાવો, ગુજરાતના સિંહ પ્રેમીઓમાં આશ્ચર્ય
How did the Gir lion reach Uttarakhand? Acharya Balakrishna's claim | વિશ્વભરમાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળતા એશિયાટિક સિંહ હવે ઉત્તરાખંડમાં પણ હો

વિશ્વભરમાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળતા એશિયાટિક સિંહ હવે ઉત્તરાખંડમાં પણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પતંજલિ યોગપીઠના આચાર્ય બાલકૃષ્ણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને દાવો કર્યો છે કે, ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં આવેલા તેમના 'ધનવંતરી ધામ' (આયુર્વેદિક હબ)માં ગીરનો સિંહ જોવા મળ્યો છે.
દેવીય ચમત્કાર કે હકીકત?
આચાર્ય બાલકૃષ્ણે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, આ આયુર્વેદિક અને પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રમાં અગાઉ દીપડા, રીંછ અને અજગર જેવા વન્ય જીવો જોવા મળતા હતા, પરંતુ હવે સિંહનું આગમન થયું છે. તેમણે આ ઘટનાને 'દેવીય ચમત્કાર' ગણાવી છે અને કહ્યું છે કે આ બુદ્ધિ અને વિચારથી ઉપરની વાત છે. આ ઘટનાને તેમણે પતંજલિ પરિવાર માટે ગૌરવની વાત ગણાવી છે.
સિંહ પ્રેમીઓમાં ઉઠ્યા ગંભીર સવાલો
આ સમાચાર વાયુવેગે ફેલાતા જ ગુજરાતના સિંહ પ્રેમીઓ અને વન્યજીવ નિષ્ણાતો ચોંકી ઉઠ્યા છે. નોંધનીય છે કે, સમગ્ર વિશ્વમાં એશિયાટિક સિંહ માત્ર ગુજરાતના ગીરમાં જ કુદરતી આવાસમાં જોવા મળે છે. ઝૂ (પ્રાણીસંગ્રહાલય) સિવાય અન્ય કોઈ રાજ્યમાં સિંહોનું અસ્તિત્વ નથી. ત્યારે સવાલ એ ઉઠે છે કે:
-
હજારો કિલોમીટર દૂર ગુજરાતથી ઉત્તરાખંડના પર્વતોમાં સિંહ કેવી રીતે પહોંચ્યો?
-
શું વન વિભાગની પરવાનગી વગર સિંહની અવરજવર શક્ય છે?
-
શું આ ખરેખર ગીરનો સિંહ છે કે અન્ય કોઈ પ્રાણી?
તપાસની માંગ
આ વિવાદાસ્પદ દાવા બાદ ગુજરાતના સિંહ પ્રેમીઓએ રાજ્ય સરકાર અને વન વિભાગ પાસે આ મામલે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. જો ખરેખર ઉત્તરાખંડમાં સિંહ દેખાયો હોય, તો તે ગીર માટે ચિંતાનો વિષય છે કે ગૌરવનો, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ તો આ 'એક્સક્લુઝિવ' દાવો સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.






