VIDEO: ઓખા-બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુના કેબલમાં આગ, મુસાફરોના જીવ જોખમમાં મૂકાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા અને બેટ દ્વારકાને જોડતા નવસર્જિત દેશના સૌ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા અને બેટ દ્વારકાને જોડતા નવસર્જિત દેશના સૌથી લાંબા સુદર્શન સેતુ (Sudarshan Setu) પરથી એક અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. સેતુની બાજુમાંથી પસાર થતા મુખ્ય કેબલમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી, જેના કારણે જોતજોતામાં ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે કેબલમાંથી ધુમાડો નીકળવાની આ ઘટનાથી ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.
આ ઘટનામાં સૌથી ગંભીર અને આશ્ચર્યજનક બાબત એ જોવા મળી હતી કે, કેબલમાં આગ અને ધુમાડાની જોખમી સ્થિતિ સર્જાઈ હોવા છતાં સેતુ પર વાહનો તેમજ પદયાત્રીઓની અવરજવર સતત ચાલુ રહી હતી. કોઈ અણબનાવ ન બને તે માટે માર્ગ બંધ કરવા કે વાહનવ્યવહાર રોકવા અંગે તાત્કાલિક સ્થાનિક સ્તરે સુરક્ષાત્મક પગલાં ન લેવાતાં લોકોની સુરક્ષા અને સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
ટેકનિકલ કારણ અસ્પષ્ટ: સ્થાનિકોમાં આક્રોશ
કેબલમાં આગ લાગવાનું ચોક્કસ ટેકનિકલ કારણ શું હતું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ શકી નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ વિજળીક ખામીના કારણે આ હોનારત સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. સ્થાનિક રહીશો અને યાત્રાળુઓ માંગ કરી રહ્યા છે કે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં વહીવટી તંત્ર, વીજ કંપની અને ટેકનિકલ નિષ્ણાતોની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરે.
આ ઉપરાંત, લાખો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની અવરજવર ધરાવતા આ અત્યંત મહત્વના માર્ગ પર નિયમિત મેન્ટેનન્સ અને સુરક્ષા પ્રોટોકોલની કડક સમીક્ષા કરવામાં આવે તેવી પણ પ્રબળ માગણી ઉઠી છે.






