મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર અમેરિકાની કાર્યવાહી અંગે વિદેશ મંત્રાલયનું નિવેદન; ભારત-યુએસ વચ્ચે સહયોગ વધુ મજબૂત બનશે

અમેરિકામાં લોરેન્સ બિશ્નોઈ

તસવીર: gstv

અમેરિકામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ વિરુદ્ધ થયેલી કાનૂની કાર્યવાહી અને ઈન્ડિક્ટમેન્ટ (આરોપનામું) પર ભારત સરકારના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા મહત્વનું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે, ભારત અને અમેરિકા આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાખોરી અને આતંકવાદને નાથવા માટે એકબીજા સાથે મજબૂતાઈથી કામ કરી રહ્યા છે.

અમેરિકી ન્યાય વિભાગ (US Department of Justice) ની કાર્યવાહી અંગે વાત કરતા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, "અમેરિકામાં કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાહિત નેટવર્ક વિરુદ્ધ લેવાયેલા એક્શન અને ઈન્ડિક્ટમેન્ટની જાહેરાતો અમે જોઈ છે."

આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક સમાજ માટે ગંભીર ખતરો
ભારતનું વલણ સ્પષ્ટ કરતાં પ્રવક્તાએ ઉમેર્યું કે, "ભારત હંમેશાં એ વાત પર મક્કમ રહ્યું છે કે સરહદ પારથી ચાલતી સંગઠિત ગુનાખોરી, આતંકવાદ, ડ્રગ્સની હેરાફેરી (નાર્કો ટ્રાફિકિંગ), માનવ તસ્કરી, ગેરકાયદેસર હથિયારોની હેરફેર અને તેની સાથે જોડાયેલા ગુનાહિત નેટવર્ક આપણા સમાજ માટે એક ગંભીર ખતરો છે."

ભારત-અમેરિકા વચ્ચે સહયોગ વધુ મજબૂત બનશે
બંને દેશો વચ્ચેના સંબંધો અને સંકલન અંગે તેમણે જણાવ્યું કે, આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાખોરી સામે લડવામાં ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત, અસરકારક અને સતત વધતો સહયોગ છે. ભારત અને અમેરિકાની તપાસ એજન્સીઓ વર્ષોથી આ દિશામાં સાથે મળીને કામ કરી રહી છે અને આ વ્યાપક સહયોગ આગામી સમયમાં વધુ મજબૂત અને ઊંડો બનતો રહેશે.

આ સમાચાર શેર કરો