VIDEO: દિલ્હી પહોંચ્યો Ebola વાયરસ? BSF જવાન દાખલ, 11 હજાર મુસાફરોની તપાસ થઈ
દુનિયાભરમાં ઈબોલા વાયરસના ઘેરાતા ખતરા વચ્ચે ભારત પણ એલર્ટ પર છે. ડેમોક્રે

દુનિયાભરમાં ઈબોલા વાયરસના ઘેરાતા ખતરા વચ્ચે ભારત પણ એલર્ટ પર છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)થી પાછા ફરેલા સીમા સુરક્ષા બળ (BSF)ના એક 52 વર્ષીય જવાનમાં ઈબોલાના શંકાસ્પદ લક્ષણો દેખાયા બાદ અફરાતફરી મચી ગઈ છે. સાવચેતીના ભાગરૂપે જવાનને દિલ્હીની રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલના ઈબોલા આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે દેશમાં હજુ સુધી ઈબોલાના એક પણ કન્ફર્મ કેસની પુષ્ટિ થઈ નથી અને સરકાર પરિસ્થિતિ પર પૂરી તકેદારી સાથે નજર રાખી રહી છે.
ક્વોરેન્ટાઇનના 20મા દિવસે જવાનની તબિયત લથડી
શંકાસ્પદ લક્ષણો ધરાવતો આ BSF જવાન સંયુક્ત રાષ્ટ્ર (UN) શાંતિ મિશનનો હિસ્સો હતો અને વીતેલી 11 જુલાઈએ જ કોંગોથી ભારત પરત ફર્યો હતો. ઈબોલા પ્રભાવિત વિસ્તારમાંથી આવ્યા હોવાના કારણે નિયમો અનુસાર જવાનને એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (APHO)માં 21 દિવસના ફરજિયાત ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યો હતો.
ક્વોરેન્ટાઇન પિરિયડના 20મા દિવસની સાંજે જવાનને અચાનક સખત તાવ અને શરીરના દુખાવાની ફરિયાદ થઈ, જે ઈબોલા ચેપના પ્રારંભિક લક્ષણો માનવામાં આવે છે. પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરીને દર્દીને તાત્કાલિક RML હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો.
આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, જવાનના લોહીના નમૂના તપાસ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV), પુણે મોકલવામાં આવ્યા છે. હાલમાં રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને આ માત્ર એક શંકાસ્પદ કેસ છે.
એક્શનમાં સરકાર, 11 હજાર મુસાફરોનું થઈ ચૂક્યું છે સ્ક્રીનિંગ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા 'બુંદીબુગ્યો ઈબોલા આઉટબ્રેક'ને આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય (PHEIC) જાહેર કર્યા પછીથી જ ભારત સરકાર એલર્ટ મોડ પર છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ સંસદમાં જણાવ્યું હતું કે 23 મેથી અત્યાર સુધી ઈબોલા પ્રભાવિત દેશોમાંથી ભારત આવેલા 10,974 આંતરરાષ્ટ્રીય મુસાફરોની તપાસ કરવામાં આવી ચૂકી છે.
મુસાફરી પર પ્રતિબંધ નથી, પરંતુ દેખરેખ કડક
કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાન જેવા ઈબોલા પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરો પર કડક નજર રાખવામાં આવી રહી છે. ભારત સરકારે મુસાફરી પર કોઈ સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ 'એર સુવિધા 2.0' પોર્ટલ અને 'સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ' દ્વારા એવા તમામ મુસાફરોની ઓળખ કરવામાં આવી રહી છે, જેઓ છેલ્લા 21 દિવસમાં આ દેશોમાં ગયા હતા.
આ શહેરોના એરપોર્ટ પર સૌથી વધુ તપાસ
સ્ક્રીનિંગના મામલે મુંબઈ એરપોર્ટ સૌથી આગળ છે, જ્યાં અત્યાર સુધીમાં 7,568 મુસાફરોની તપાસ કરવામાં આવી છે. ત્યારબાદ દિલ્હીમાં 1,833, હૈદરાબાદમાં 532, ચેન્નાઈમાં 210, બેંગલુરુમાં 205 અને અમદાવાદમાં 200 મુસાફરોનું સ્ક્રીનિંગ થઈ ચૂક્યું છે.
ઈબોલા સામે લડવા માટે ભારતની શું છે તૈયારી?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ઈબોલાના સંભવિત ખતરા સામે લડવા માટે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC), ICMR અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે મળીને એક મજબૂત વ્યૂહરચના તૈયાર કરી છે. દેશભરની હોસ્પિટલોમાં વિશેષ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વધારાના ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની તૈનાતી કરી દેવામાં આવી છે. ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે NCDCનું પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓપરેશન્સ સેન્ટર 24×7 કામ કરી રહ્યું છે. આ ઉપરાંત, દેશભરની પસંદગીની હોસ્પિટલોમાં મોક ડ્રિલ પણ યોજવામાં આવી છે, જેથી કોઈ શંકાસ્પદ કેસ સામે આવે તો વિલંબ વગર તાત્કાલિક એક્શન લઈ શકાય.








