મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દિલ્હીમાં ભારે અફરાતફરી: પ્રદર્શનકારીઓ વિજય ચોક પહોંચ્યા, પોલીસ સાથે હિંસક ઝડપ બાદ સંસદના ગેટ બંધ કરાયા

NEET પેપર લીક પ્રકરણ અને દેશમાં સતત વધી રહેલી બેરોજગ

તસવીર: gstv

NEET પેપર લીક પ્રકરણ અને દેશમાં સતત વધી રહેલી બેરોજગારીના વિરોધમાં 'કૉકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા શરૂ કરવામાં આવેલું પ્રદર્શન હવે વધુ આક્રમક બન્યું છે. 20 જુલાઈ 2026થી આયોજિત સંસદ માર્ચ વચ્ચે પક્ષના નેતા અભિજીત દિપકેએ અઢી દિવસ બાદ પોતાના અન્નજળના ત્યાગના ઉપવાસ પૂરા કર્યા છે. આ સાથે જ પાર્ટીના પ્રવક્તા સૌરભ દાસે દાવો કર્યો છે કે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા તેમની સાથે વાતચીત કરવા માટે તૈયાર થઈ ગયા છે.

CJPના આ સંસદ માર્ચને સમર્થન આપવા માટે 19 જુલાઈની સાંજથી જ દેશભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો અને તેમના વાલીઓ દિલ્હીના જંતર-મંતર ખાતે એકઠા થવાના શરૂ થઈ ગયા હતા.

જંતર-મંતર પર થ્રી-ટાયર સુરક્ષા ગ્રીડ ગોઠવાઈ

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન યોજાયેલા આ મોટા આંદોલનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને ગુપ્તચર સંસ્થાઓ હાઈ એલર્ટ પર છે. જંતર-મંતર, પાર્લામેન્ટ સ્ટ્રીટ, સેન્ટ્રલ વિસ્ટા, કનોટ પ્લેસ અને શંકર ચોક જેવા વિસ્તારોમાં 'થ્રી-ટાયર સુરક્ષા ગ્રીડ' તૈયાર કરવામાં આવી છે. જેમાં દિલ્હી પોલીસના જવાનોના બે સ્તર અને પેરામિલેટ્રી ફોર્સનું એક સ્તર સામેલ છે. કોઈપણ અણબનાવને પહોંચી વળવા માટે 'રેપિડ રિસ્પોન્સ ટીમ'ને ચોવીસે કલાક સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

પરવાનગી વગર વિરોધ પ્રદર્શન પર રોક: DCP

નવી દિલ્હીના DCP સચિન શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જાહેર સલાહ જારી કરીને જણાવ્યું છે કે, દિલ્હી પોલીસ સ્પષ્ટ કરે છે કે આવી કોઈ વિરોધ માર્ચ કે સરઘસ માટે કોઈ પરવાનગી માગવામાં આવી નથી અને ન તો આવી કોઈ મંજૂરી આપવામાં આવી છે.

કલમ 163 લાગુ, ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી

DCP સચિન શર્માએ વધુમાં ઉમેર્યું હતું કે, સંસદના સત્ર અને પ્રદર્શનને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 (અગાઉની કલમ 144) લાગુ કરી દેવામાં આવી છે. આ કલમ હેઠળ પાંચ કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા, વિરોધ પ્રદર્શન કરવા, સરઘસ કાઢવા કે ધરણા કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જંતર-મંતર પર પણ પૂર્વ મંજૂરી સાથે જ શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની છૂટ મળશે.

પોલીસે ચેતવણી આપી છે કે જાહેર કરવામાં આવેલા આદેશોનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 223 અને અન્ય કાનૂની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધીને સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો