મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: 'કર્મોનું ફળ સૌને મળે છે', બિશ્નોઈના ગેંગસ્ટરે ખાલિસ્તાની નિજ્જરની હત્યાની જવાબદારી લીધી

કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. ગેંગસ્ટર ગો

તસવીર: gstv

કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. ગેંગસ્ટર ગોલ્ડી બરાડે એક લીક થયેલા ઓડિયો (Audio)માં દાવો કર્યો છે કે નિજ્જરની હત્યા તેની ટીમે કરી હતી. આ ઓડિયોમાં બરાડે બ્રિટનમાં રહેલા આતંકી પરમજીત સિંહ પમ્મા સાથેની કથિત વાતચીત દરમિયાન હત્યાનું કારણ પણ જણાવ્યું હોવાનું સામે આવ્યું છે.

કથિત ઓડિયો મુજબ, ગોલ્ડી બરાડનો આરોપ છે કે હરદીપ સિંહ નિજ્જર એવા લોકોનું સમર્થન કરતો હતો, જેઓ 16-17 વર્ષના સગીર છોકરાઓનો ઉપયોગ ડ્રગ્સ (Drugs) વેચવા માટે કરતા હતા. બરાડે એવો પણ દાવો કર્યો કે આ યુવાનોને ડ્રગ્સના ગેરકાયદે ધંધા ઉપરાંત પોલીસ માટે બાતમી આપવાના મામલે બ્લેકમેલ (Blackmail) કરવામાં આવતા હતા.

બરાડના જણાવ્યા પ્રમાણે, નિજ્જર આવા લોકોને મદદ કરતો હતો. જેથી જરૂર પડ્યે તેમનો ઉપયોગ કરી શકાય. આ કારણસર તેની ટીમે નિજ્જરને નિશાન બનાવ્યો હોવાનો તેણે દાવો કર્યો છે. ઓડિયોમાં બરાડે એવો સંદેશ પણ આપ્યો હોવાનું કહેવાય છે કે દરેક વ્યક્તિએ પોતાના કર્મોનું પરિણામ ભોગવવું પડે છે.

આ મામલે બરાડે નિજ્જર પર ડ્રગ્સ અને હથિયારોના ગેરકાયદે (Illegal) કારોબારમાં સામેલ હોવાનો પણ આરોપ લગાવ્યો છે. જોકે, આ તમામ દાવાઓ એક કથિત લીક ઓડિયો પર આધારિત છે અને તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

ભારત અને કેનેડા વચ્ચે તણાવ 

નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે આ મુદ્દે લાંબા સમયથી રાજદ્વારી (Diplomatic) તણાવ રહ્યો છે. કેનેડાએ હત્યાને ભારતીય એજન્ટો સાથે જોડતા આરોપ લગાવ્યા હતા, જેને ભારતે સતત નકારી કાઢ્યા છે. ભારતનું કહેવું રહ્યું છે કે આવા આરોપોને સમર્થન આપતા પૂરતા પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.

બીજી તરફ, ભારતીય ગુપ્તચર એજન્સીઓ તરફથી અગાઉ નિજ્જરની હત્યા પાછળ ગેંગવોર (Gang War) અને સંગઠિત અપરાધની સંભાવના અંગે પણ વાત કરવામાં આવી હતી. હવે ગોલ્ડી બરાડના કથિત ઓડિયો બાદ આ કેસમાં ફરી એક નવો વળાંક આવ્યો છે. જોકે, ઓડિયોની સત્યતા અને તેમાં કરવામાં આવેલા દાવાઓ અંગે સત્તાવાર તપાસ અને પુષ્ટિ મહત્વપૂર્ણ રહેશે.

આ સમાચાર શેર કરો