મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ANDAR NI VAAT/ ભારે વરસાદથી ઉત્તર પ્રદેશના હાલ થયા બેહાલ, અનેક શહેરમાં જળબંબાકાર

ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અનરાધાર વરસાદે સમગ્

તસવીર: gstv

ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અનરાધાર વરસાદે સમગ્ર રાજ્યમાં જનજીવનને ભારે અસ્તવ્યસ્ત કરી દીધું છે. રાજ્યના અનેક શહેરોમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે અને ઠેર ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સૌથી ખરાબ હાલત ગાઝિયાબાદની જોવા મળી રહી છે. જ્યાં વરસાદી પાણીના નિકાલના અભાવે અનેક રહેણાંક વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને લોકો પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. તેવી જ રીતે  નોઈડામાં પણ વરસાદે હાહાકાર મચાવ્યો છે. હાઈવે પર એટલા બધા પાણી ભરાઈ ગયા છે કે જાણે રસ્તા પર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાહનો અધવચ્ચે ફસાઈ જવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે અને નોઈડાની ગતિશીલતા પર જાણે બ્રેક લાગી ગઈ છે.

અયોધ્યા અને બુરહાનપુર જેવા શહેરોમાં પણ વરસાદની અસર સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. અયોધ્યામાં સતત પડી રહેલા વરસાદને કારણે ભક્તોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. જે રસ્તાઓ પર હંમેશા ભક્તોની ભીડ રહેતી હતી. ત્યાં હાલ સન્નાટો છવાયેલો છે અને ખાલી રસ્તાઓ વરસાદની ગંભીરતા દર્શાવે છે. બીજી તરફ, બુરહાનપુરમાં સ્થિતિ વધુ વિકટ છે. જ્યાં પાણી માત્ર રસ્તાઓ પર જ નહીં, પરંતુ સોસાયટીઓ અને દુકાનોમાં પણ ઘુસી ગયા છે. વેપારીઓ માટે આ આફત બનીને આવેલો વરસાદ ભારે નુકસાનનું કારણ બન્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે વહીવટી તંત્ર પણ મુશ્કેલીમાં મુકાયું છે. જોકે, સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે સામાન્ય નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે પ્રશાસન એલર્ટ મોડ પર છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં સામાન્ય જનજીવન પાટા પર આવતા હજુ સમય લાગશે તેવી સ્થિતિ સર્જાઈ છે.

આ સમાચાર શેર કરો