'ભાજપના નેતાઓ જૂઠાણાના સુપર સ્ટોકિસ્ટ', છોકરીને પગતળે કચડતા આખલાનો વીડિયો શેર કરી અખિલેશના પ્રહાર
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક આખલાએ રસ્તા પર જઈ રહેલી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક આખલાએ રસ્તા પર જઈ રહેલી એક છોકરી પર અચાનક હુમલો કર્યો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સપા નેતા અખિલેશ યાદવે આ વીડિયો શેર કરીને કહ્યું કે, આગામી ચૂંટણીમાં જનતા બુલ અને બુલડોઝર બંનેનો ઈલાજ કરી દેશે. જો સત્તામાં રહેલા આ ભાજપના નેતાઓ ક્યારેય પોતાની સુરક્ષા છોડીને રસ્તા પર ચાલશે, તો આ જ બુલ તેમને હવામાં ઉડાડી દેશે. 14 દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવાનું વચન 14 વર્ષમાં પણ પૂરું નથી કરી શકી. ભાજપના નેતાઓ જૂઠાણાના સુપર સ્ટોકિસ્ટ છે. જૂઠાણા એ ભાજપની રાજનીતિનો પાયો છે. જે લોકોએ પોતાની નાગરિક ફરજ બજાવી અને છોકરીને બચાવી તે બધા પ્રશંસાને પાત્ર છે.
અહેવાલ છે કે, આ ઘટના લખનૌના ચૌપટ્ટી વિસ્તારમાં બની છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક આખલો અચાનક છોકરી તરફ દોડી રહ્યો છે. ગભરાઈને છોકરીએ ભાગવાનો પ્રયાસ કરે છે, એમાં તે પોતાનું સંતુલન ગુમાવતા રસ્તા પર પડી જાય છે. ત્યારબાદ આખલો તેને કચડવા લાગે છે.
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોએ હિંમત બતાવી અને ઘણા પ્રયત્નો પછી છોકરીને આખલાની ચૂંગાલમાંથી બચાવી.
આ સિવાય ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના એક ગામમાં આખલાના હુમલામાં એક ખેડૂતનું મોત થયું. આ ઘટના સુરીર કોતવાલી વિસ્તારના રાજાગઢી ગામમાં બની હતી. એક ખેડૂત તેના ખેતરમાં ઘૂસી ગયેલા આખલાને ભગાડવા ગયો તો સામે આખલાએ હુમલો કરતાં ખેડૂતનું મોત થયું.
પોલીસના જણાવ્યા અનુસાર સુરીર કોતવાલી વિસ્તારના રાજાગઢીનો રહેવાસી લોકેન્દ્ર (35) શનિવારે વહેલી સવારે પોતાના ખેતરની જાળવણી માટે પહોંચ્યા. એ સમયે ઘઉંના ખેતરમાં આખલો ભેલાણ કરી રહ્યો હતો. ખેડૂતે તેને ભગાડવાનો પ્રયાસ કર્યો તો તેના પર હુમલો કરી દીધો. ઘાયલ ખેડૂતને તાત્કાલિક વૃંદાવનની રામ કિશન મિશન ચેરિટેબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.








