VIDEO: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 7 કેસ: 3 બાળકોના મોત, આરોગ્ય વિભાગે જાહેર કર્યું એલર્ટ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને રાજ્ય આરોગ્ય વિભાગ સતર્ક બન

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને રાજ્ય આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 7 કેસ નોંધાયા છે, જેમાંથી 3 બાળકોના મોત થયા છે, જ્યારે અન્ય 4 બાળકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. તેમની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગની અપીલ
આરોગ્ય વિભાગે રાજ્યના તમામ ડોક્ટરો અને નાગરિકોને ખાસ સતર્ક રહેવા અપીલ કરી છે. બાળકોમાં તાવ, ઉલટી, ખેંચ (આંચકી) જેવા લક્ષણો જોવા મળે તો વિલંબ કર્યા વગર નજીકની હોસ્પિટલમાં લઈ જવા સૂચના આપવામાં આવી છે.
લક્ષણો જોવા મળે તો કરાવો ચાંદીપુરા વાયરસ માટેનો ટેસ્ટ
વિભાગ દ્વારા PHC, CHC, સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજોને ચાંદીપુરા વાયરસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જો કોઈ બાળકમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળે તો તેનો ચાંદીપુરા વાયરસ માટેનો ટેસ્ટ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે.
27 બાળકોના નમૂનાઓની થઈ તપાસ
અત્યાર સુધીમાં 27 બાળકોના નમૂનાઓની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 7 બાળકોમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. બાકીના ટેસ્ટના પરિણામો સાંજ સુધીમાં મળવાની શક્યતા છે.
જે વિસ્તારોમાં દર્દીઓ નોંધાયા છે ત્યાં દવાઓનું વિતરણ, ફોગિંગ અને અન્ય જરૂરી જાહેર આરોગ્યના પગલાં હાથ ધરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે 2024માં નોંધાયેલા 61 કેસોની પણ સમીક્ષા કરી હતી. વિભાગના જણાવ્યા અનુસાર, તે વિસ્તારોમાં હાલ કોઈ નવો કેસ નોંધાયો નથી.
અફવાઓથી દૂર રહો, ગભરાવાની જરૂર નથી
આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાવાની જરૂર નથી તેવી અપીલ કરી છે. સરકાર તમામ જરૂરી તૈયારીઓ સાથે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જરૂર પડ્યે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.








