YEAR ENDER 2024 / રોહિત-વિરાટથી લઈને ડેવિડ વોર્નર સુધી આટલા ક્રિકેટરે કરી નિવૃત્તિની જાહેરાત

વર્ષ 2024 તેના અંતિમ તબક્કામાં છે. દરેક લોકો નવા વર્ષની તૈયારીમાં વ્યસ્ત છે. આ વર્ષ ઘણા લોકો માટે ખુશી લઈને આવ્યું તો કેટલાક માટે દુ:ખ. ક્રિકેટની દુનિયા પણ આમાંથી બાકાત નથી. T20 વર્લ્ડ કપનો ખિતાબ ભારતને મળ્યો. પરંતુ કેટલાક એવા સમાચાર પણ આવ્યા જેણે નિરાશ કર્યા. આ વર્ષે ઘણા ખેલાડીઓએ ક્રિકેટને અલવિદા કહ્યું.
આ પણ વાંચો: YEAR ENDER 2024 / એથ્લેટિક્સથી લઈને ચેસ સુધી, આ રમતોમાં ખેલાડીઓએ વધાર્યું ભારતનું ગૌરવ
કેટલાક ખેલાડીઓએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી જ્યારે કેટલાકે એક કે બે ફોર્મેટ છોડી દીધા હતા. અમે તમને એવા દિગ્ગજ ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે આ વર્ષે ક્રિકેટને અલવિદા કહી દીધું છે.
2024માં નિવૃત્ત થનાર ખેલાડીઓ
શિખર ધવન
પૂર્વ ભારતીય ઓપનર શિખર ધવને આ વર્ષે ક્રિકેટને અલવિદા કહી દીધું. તેણે આ વર્ષે ઓગસ્ટમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ધવન લાંબા સમયથી ટીમની બહાર હતો અને કમબેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તેને સફળતા ન મળી તો તેણે નિવૃત્તિની જાહેરાત કરી.
રિદ્ધિમાન સાહા
ભારતીય ટેસ્ટ ટીમનો મહત્ત્વનો હિસ્સો રહેલા વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ પણ લાંબી રાહ જોયા બાદ આ વર્ષે ક્રિકેટને અલવિદા કહી દીધું. 2022માં ન્યુઝીલેન્ડ સિરીઝ દરમિયાન તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ પછી ઘણો વિવાદ થયો હતો. સાહા ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો હતો પરંતુ તેણે કહ્યું કે આ તેનું છેલ્લું વર્ષ છે.
દિનેશ કાર્તિક
ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકે પણ આ વર્ષે ક્રિકેટને અલવિદા કહી દીધું. કાર્તિકે IPL-2024 પહેલા જાહેરાત કરી હતી કે આ IPL તેની છેલ્લી IPL હશે અને તે પછી તે ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દેશે. કાર્તિક હવે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કોચિંગ સ્ટાફમાં સામેલ છે.
વિરાટ કોહલી
ટીમ ઈન્ડિયાએ આ વર્ષે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. કોહલીએ આ વર્લ્ડ કપની ફાઈનલમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. આ ઈનિંગના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ કોહલીએ જાહેરાત કરી હતી કે તે હવે T20 ઈન્ટરનેશનલ નહીં રમે.
રોહિત શર્મા
17 વર્ષ બાદ ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન રોહિત શર્માએ ટાઈટલ જીત્યા બાદ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિરાટ કોહલીએ નિવૃત્તિ જાહેર કરી પછી રોહિત પ્રેસ કોન્ફરન્સમાં ગયો અને નિવૃત્તિની જાહેરાત કરી. હવે રોહિત માત્ર વનડે અને ટેસ્ટ જ રમે છે.
રવિન્દ્ર જાડેજા
વિરાટ અને રોહિત ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ પણ આ વર્ષે T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેનો નિર્ણય પણ T20 વર્લ્ડ કપ 2024નું ટાઈટલ જીત્ય બાદ આવ્યો હતો. જાડેજા પણ હવે રોહિત અને વિરાટની જેમ માત્ર વનડે અને ટેસ્ટ રમે છે.
ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડેવિડ વોર્નરે પણ આ વર્ષે પોતાની કારકિર્દીનો અંત આણ્યો હતો. તેણે કહ્યું હતું કે T20 વર્લ્ડ કપ તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. વોર્નરે એવું જ કર્યું. આ પછી તે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમતો નહતો જોવા મળ્યો.
જેમ્સ એન્ડરસન
ઈંગ્લેન્ડના મહાન ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને પણ આ વર્ષે પોતાની બે દાયકાની કારકિર્દીનો અંત આણ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે ત્રીજા સ્થાને છે. તે ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે ટેસ્ટમાં 700થી વધુ વિકેટ લીધી છે.
મોઈન અલી
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ પણ આ વર્ષે નિવૃત્તિની જાહેરાત કરી છે. મોઈન અલીએ સપ્ટેમ્બરમાં ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. મોઈન અલી હવે લીગ ક્રિકેટ રમે છે પરંતુ IPLના મેગા ઓક્શનમાં તે અનસોલ્ડ રહ્યો હતો.
મોહમ્મદ આમિર
ફિક્સિંગના આરોપોનો સામનો કરી રહેલા મોહમ્મદ આમિરે આ વર્ષે બીજી વખત નિવૃત્તિ લીધી. તે T20 વર્લ્ડ કપ 2024 રમવા માટે નિવૃત્તિમાંથી પરત ફર્યો હતો પરંતુ થોડા દિવસો પહેલા તેણે ફરીથી નિવૃત્તિ લીધી હતી.
ઈમાદ વસીમ
આમિરની જેમ પાકિસ્તાનના ઓલરાઉન્ડર ઈમાદ વસીમ પણ T20 વર્લ્ડ કપ માટે નિવૃત્તિ પાછી લીધી હતી, પરંતુ ત્રણ દિવસ પહેલા તેણે ફરીથી ક્રિકેટને અલવિદા કહ્યું હતું.
ઈરફાન ખાન
સાત ફૂટ ઉંચા પાકિસ્તાનના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ઈરફાન ખાને પણ ગઈ કાલે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ઈરફાનને 2012માં ભારતના પ્રવાસ દરમિયાન તેની બોલિંગ માટે યાદ કરવામાં આવે છે.
અન્ય ખેલાડીઓ
આ સિવાય અન્ય કેટલાક ખેલાડીઓ પણ છે જેમણે એક, બે અથવા તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આમાં ડીન એલ્ગર, હેનરિક ક્લાસેન, સૌરભ તિવારી, વરુણ એરોન, નીલ વેગનર, કોલિન મુનરો, કેદાર જાધવ, ડેવિડ વિસે, સાઈબ્રાન્ડ એંગેલબ્રેક્ટ, ડેવિડ મલાન, શેનોન ગેબ્રિયલ, મેથ્યુ વેડ, મહમુદુલ્લાહ, શાકિબ અલ હસન, બરિંદર સરન, વિલ પુકોવસ્કી સામેલ છે.

