વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026: ગ્રીનલેન્ડ પર કબજો કરવા મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન

સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026માં પોતાનું ભાષણ આપ્યું, જેમાં ટ્રમ્પે કહ્યું કે, ખૂબસૂરત દાવોસમાં પાછા આવવું ખૂબ જ આનંદદાયક છે. અહીં ઘણા બધા બિઝનેસ લીડર્સ છે, ઘણા બધા મિત્રો છે, ઘણા બધા દુશ્મનો છે, અને બધા સન્માનિત મહેમાનો છે.
'યુરોપ સાચી દિશામાં આગળ વધી રહ્યું નથી'
ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, મને યુરોપથી પ્રેમ છે, પણ તે સાચી દિશામાં આગળ વધી રહ્યું નથી, યુરોપમાં કેટલાય એવા વિસ્તારો છે, જે હાલમાં ઓળખાતા પણ નથી, આપણને અનુસરીને દુનિયા વિનાશના માર્ગથી બચી શકે છે. મેં ઘણા દેશોને વિનાશ થતાં જોયા છે. યુરોપમાં મોટા પાયે સ્થળાંતર થઈ રહ્યું છે. તેઓ હજુ સુધી તેના સંભવિત પરિણામો સમજી શક્યા નથી. યુરોપિયન યુનિયને મારી સરકાર પાસેથી શીખવું જોઈએ.
'વેનેઝુએલા હુમલા બાદ ડીલ માટે તૈયાર થયું'
ટ્રમ્પે કહ્યું કે, જ્યારથી તેમણે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે, ત્યારથી દેશમાં ફુગાવો સતત ઘટી રહ્યો છે. યુએસ સ્ટોક એક્સચેન્જ અત્યાર સુધીના ઉચ્ચ સ્તરે છે. મારા કાર્યકાળ દરમિયાન, દેશમાં રોકાણ 18 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. અમેરિકા વિશ્વની આર્થિક રાજધાની છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે ટ્રમ્પની ટેરિફ નીતિને સાચી ઠેરવી છે. આ સાથે જ WEFના વૈશ્વિક મંચ પરથી ટ્રમ્પે દાવો કર્યો કે વેનેઝુએલા હુમલા બાદ ડીલ માટે તૈયાર થઈ ગયું.
'ગ્રીનલેન્ડ પર કબજો કરવા મિલેટરી પાવરનો ઉપયોગ કરી શકીએ'
આ સાથે ટ્રમ્પે ગ્રીનલેન્ડને અંગે કહ્યું હતું કે, તે એક ખૂબસૂરત ટુકડો છે, હું ગ્રીનલેન્ડ અને ડેનમાર્કના લોકોનું સન્માન કરું છું. અમે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ગ્રીનલેન્ડની મદદ કરી હતી. ગ્રીનલેન્ડની સુરક્ષા અમારા સિવાય કોઈ પણ દેશ નહીં કરી શકે, અમેરિકા જ માત્ર ગ્રીનલેન્ડને બચાવી શકે છે. અમે બીજા વિશ્વ યુદ્ધમાં ગ્રીનલેન્ડને બચાવ્યું હતું, અમે મૂર્ખ હતા કે ત્યારે ગ્રીનલેન્ડને અમે પરત કરી દીધું, અમેરિકા પાસે હવે સૌથી વધુ મિલટરી પાવર છે. અમે ગ્રીનલેન્ડ પર કબજો કરવા તેનો ઉપયોગ કરી શકીએ છીએ, અમેરિકાની સુરક્ષા માટે ગ્રીનલેન્ડની જરૂર છે.

