VIDEO: BRICS બાદ શી જિનપિંગને શું થયું? ચીન પરત ફર્યા બાદ તરત હોસ્પિટલમાં લઈ જવાયા
બ્રિક્સ સંમેલનમાંથી ચીનના પ્રમુખ શી જીનપીંગ એકાએક જે રીતે ચીન જવા માટે નીકળી ગયા હતા એ બાબતે ખાનગીમાં ઘણો ગણગણાટ થયો છે. હવે ચીનની 'ચાઇના ડેમોક્રસી પાર્ટી' (સીડીપી)ના ચેરમેન વાંનઝુન શીએ ચોંકાવનારી પોસ્ટ સોશ્યલ મીડિયા પર મૂકી છે. એમણે લખ્યું છે કે જ્યારે શી જીનપીંગ વિદેશથી ચીન પરત ફરે છે ત્યારે એમનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં અધિકારીઓ હાજર હોય છે અને તેઓ મોટરના કાફલા સાથે એમના નિવાસસ્થાને જાય છે. જોકે તેઓ જ્યારે ભારતથી પરત ફર્યા ત્યારે બીજીંગ એરપોર્ટ પર વિમાનમાંથી સીધા મીલીટ્રી હેલીકોપ્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. એમને બીજીંગની ૩૦૧ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. શી જીનપીંગ જ્યારે બીજીંગ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે એમનું અભિવાદન કરવા માટે કોઈ અધિકારી એરપોર્ટ પર નહોતા. એમ મનાય છે કે, ભારતમાં જ એમની તબિયત લથડી ગઈ હતી, પરંતુ જે રીતે ચીનમાં બધુ ખાનગી રાખવામાં આવે છે એ રીતે એમના તબિયતના સમાચાર પણ દબાવી દેવામાં આવ્યા હતા.
જોકે, ચાઇના ડેમોક્રસી પાર્ટીના નેતા વાંનઝુન શીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો દાવો કર્યો કે બ્રિક્સ સંમેલન દરમિયાન જિનપિંગ અચાનક બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમની સાથે રહેલી મેડિકલ ટીમે સારવાર કરી હતી અને તેઓ ભારતનો કાર્યક્રમ વહેલો પૂર્ણ કરીને ચીન પરત ફર્યા હતા. વાંનઝુન શીના જણાવ્યા પ્રમાણે બેઇજિંગ પહોંચ્યા બાદ તેમને સામાન્ય સત્તાવાર સ્વાગત આપવાને બદલે લશ્કરી હેલિકોપ્ટર મારફતે 301 હોસ્પિટલ લઈ જવાયા હતા.
વાંનઝુન શીએ આગળ એવો પણ દાવો કર્યો છે કે હોસ્પિટલમાં નિષ્ણાતોની ટીમે જિનપિંગને ગંભીર ઇસ્કેમિક સ્ટ્રોક (Ischaemic Stroke) હોવાનું નિદાન કર્યું હતું. જોકે, આ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. ચીન અથવા ભારત સરકાર તરફથી જિનપિંગને સ્ટ્રોક આવ્યો હોવાની, હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની કે સર્જરી કરાઈ હોવાની કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
જિનપિંગે બ્રિક્સ સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદી સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. બંને નેતાઓએ ભારત-ચીન સંબંધોને લાંબા ગાળાના વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી આગળ વધારવા અને સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
જિનપિંગના સ્વાસ્થ્ય અંગેની અટકળોને તેમના બ્રિક્સ ગાલા ડિનરમાં ગેરહાજર રહેવાની ઘટનાથી પણ વેગ મળ્યો હતો. જોકે, આ ગેરહાજરીનું કારણ સત્તાવાર રીતે સ્વાસ્થ્ય સમસ્યા તરીકે જાહેર કરવામાં આવ્યું નથી.
આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ જિનપિંગની તબિયત અંગે વિશ્વસનીય સત્તાવાર માહિતી સામે ન આવે ત્યાં સુધી આ દાવાઓને પુષ્ટિ થયેલા સમાચાર તરીકે જોવું યોગ્ય નથી.

