VIDEO: રશિયા-જાપાન વચ્ચે યુદ્ધના વાદળો? વિવાદિત ટાપુઓ પાસે પરમાણુ સબમરીન સાથે રશિયન સેના
Russia Japan Dispute: રશિયા અને જાપાન વચ્ચે વિવાદિત ટાપુઓને લઈને તણાવ વધી રહ્યો છે. TASS સમાચાર એજન્સી અનુસાર રશિયાએ કુરિલ આઇલેન્ડ્સ (ઉત્તરીય પ્રદેશો) પાસે મોટા પાયે લશ્કરી કવાયત શરૂ કરી છે, જેમાં ન્યૂક્લિયર સબમરીન અને ગાઇડેડ મિસાઇલ ક્રૂઝર શામેલ છે. રશિયાએ એટારોફુ ટાપુ પરથી એન્ટી-શિપ મિસાઇલોનું સફળ પરીક્ષણ પણ કર્યું છે, જેની સામે જાપાને સખત વાંધો ઉઠાવ્યો છે.
એટારોફુ પરથી એન્ટી મિસાઈલ છોડાઈ
રશિયાની પેસેફિક ફ્લિટ (Pacific Fleet) દ્વારા ગુરુવારે એટારોફુ ટાપુ પરથી 'બાસ્ટિયન' એન્ટી-શિપ મિસાઇલો છોડવામાં આવી હતી. રશિયન સંરક્ષણ મંત્રાલય મુજબ, આ કવાયતમાં દુશ્મનના જહાજો પર હુમલાની સ્થિતિનો અભ્યાસ કરાયો હતો, અને 300 કિલોમીટર દૂર રહેલા તમામ લક્ષ્યોને ચોકસાઈથી વીંધવામાં આવ્યા હતા. આ લશ્કરી કવાયત એવા સમયે હાથ ધરાઈ છે, જ્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિન તાજેતરમાં જ એટારોફુ ટાપુની મુલાકાતે પહોંચ્યા હતા. ચાર વિવાદિત ટાપુઓમાં આ સૌથી મોટો ટાપુ છે. જાપાન તેને 'નોર્ધર્ન ટેરિટરીઝ' કહે છે, જ્યારે રશિયા તેને કુરિલ આઇલેન્ડ્સનો ભાગ માને છે.
જાપાને વ્યક્ત કર્યો ભારે વિરોધ
રશિયાની આ લશ્કરી ગતિવિધિઓ પર જાપાને આકરો વિરોધ નોંધાવ્યો છે. જાપાનના વિદેશમંત્રી ટોશિમિસ્ત્સુ મોટેગી (Toshimitsu Motegi)એ જણાવ્યું કે, ચાર ઉત્તરીય ટાપુઓ પર રશિયા દ્વારા લશ્કરી શક્તિ વધારવાના પ્રયાસોને જાપાન સહન નહીં કરે, કારણ કે, આ જાપાનના સાર્વભૌમત્વના વલણની વિરુદ્ધ છે. બીજા વિશ્વયુદ્ધના અંતમાં સોવિયેત યુનિયને આ ટાપુઓ પર કબજો કર્યો હતો, ત્યારથી બંને દેશો વચ્ચે આ પ્રદેશને લઈને દાયકાઓ જૂનો વિવાદ ચાલ્યો આવે છે.
13 હજારથી વધુ સૈનિકો જોડાયા
આ લશ્કરી અભ્યાસમાં લગભગ 60 યુદ્ધ જહાજો, પરમાણુ સબમરીન, 30 વિમાન-હેલિકોપ્ટર અને ડ્રોન સિસ્ટમ સાથે 13,000 થી વધુ રશિયન સૈનિકો ભાગ લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ પુતિને 'વેરિયાગ' યુદ્ધ જહાજ પરથી આ કવાયતનું નિરીક્ષણ કર્યું હતું, અને ચેતવણી આપી હતી કે, આ વિસ્તારમાં સંઘર્ષનું જોખમ વધી રહ્યું છે. રશિયાની આ લશ્કરી કવાયત 29 ઓગસ્ટ સુધી ચાલવાની છે, જેનાથી વિસ્તારમાં તણાવ વધુ ઘેરો બન્યો છે.

