VIDEO/ ટ્રમ્પનો 24 કલાકમાં 'યુ-ટર્ન: પહેલા 'નરક' સમાન ગણાવ્યું અને હવે ભારતને 'મહાન દેશ' કહીને કરી પ્રશંસા
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 24 કલાકથી પણ ઓછા સમયમાં પોતાની વાત પર યુ-ટર્ન લઈ લીધો છે. તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. હવે તેમણે ભારતને એક મહાન દેશ ગણાવ્યો છે. ટ્રમ્પે પહેલા બફાટ કર્યા બાદ ભારતની પ્રશંસા કરી અને કહ્યું કે આ દેશનું નેતૃત્વ અમારા એક ખૂબ જ સારા મિત્ર કરી રહ્યા છે. આ પહેલા દિવસની શરૂઆતમાં, ટ્રમ્પે અમેરિકન રાજકીય વિવેચક અને રેડિયો હોસ્ટ માઈકલ સેવેજના પોડકાસ્ટની એક ટિપ્પણીને રીપોસ્ટ કરી હતી, જેમાં તેમણે ભારત, ચીન અને અન્ય દેશોને હેલ-હોલ એટલે કે નરક સમાન કહ્યા હતા. જે બાદ નવી દિલ્હીમાં યુએસ એમ્બેસીના પ્રવક્તા ક્રિસ્ટોફર એલ્મ્સે જણાવ્યું કે રિપબ્લિકન નેતાએ ભારત વિશે ઉષ્માભર્યું નિવેદન આપ્યું છે અને તેને એક મહાન રાષ્ટ્ર ગણાવ્યું છે અને કહ્યું કે ભારતના નેતા સાથે તેમની વ્યક્તિગત મિત્રતા છે. ટ્રમ્પે કહ્યું છે કે, ભારત એક મહાન દેશ છે, જેના સર્વોચ્ચ સ્થાને મારા એક ખૂબ જ સારા મિત્ર છે.

