VIDEO: યુક્રેન સાથેના લાંબા સંઘર્ષને લઈ પુતિને આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને વિક્ટરી ડે પરેડ બાદ એક અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપતા સંકેત આપ્યો છે કે યુક્રેન સાથેનો લાંબો સંઘર્ષ હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. પુતિને પશ્ચિમી દેશોની વ્યૂહરચનાની ટીકા કરતા જણાવ્યું કે રશિયાના પતનની રાહ જોનારાઓ પોતે જ હવે મુશ્કેલ સ્થિતિમાં ફસાયા છે. તેમણે શાંતિ સ્થાપવા માટે નવી સુરક્ષા વ્યવસ્થાઓ પર ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે અને આ વાટાઘાટો માટે જર્મનીના પૂર્વ ચાન્સેલર ગેરહાર્ડ શ્રોડરને મનપસંદ મધ્યસ્થી ગણાવ્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે કોઈ ત્રીજા દેશમાં મુલાકાત અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે આ બેઠક ત્યારે જ શક્ય છે જ્યારે શાંતિ કરારની તમામ શરતો અગાઉથી નક્કી થઈ જાય. રશિયા, યુક્રેન અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા ત્રણ દિવસીય યુદ્ધવિરામ અને એક હજાર કેદીઓની અદલાબદલીની યોજના વચ્ચે પણ બંને પક્ષોએ એકબીજા પર યુદ્ધવિરામ ભંગના આરોપો લગાવ્યા છે. ક્રેમલિને હાલમાં આ યુદ્ધવિરામને લંબાવવાનો ઈનકાર કર્યો હોવા છતાં, પુતિનના આ આશાસ્પદ નિવેદનથી વિશ્વભરમાં યુદ્ધના અંતની અપેક્ષાઓ જાગી છે.

