VIDEO: CSIS રિપોર્ટનો ધડાકો! ખાલિસ્તાની હિંસા અને ઓનલાઈન નેટવર્ક બાળકોને બનાવી રહ્યા છે શિકાર
VIDEO: કેનેડાની આંતરિક સુરક્ષા પર નજર રાખતી મુખ્ય ગુપ્તચર એજન્સી 'કેનેડિયન સિક્યુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ'એ તેના તાજેતરના અહેવાલમાં એક ચોંકાવનારો સ્વીકાર કર્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર, કેનેડાની ધરતી પર સક્રિય ખાલિસ્તાની ઉગ્રવાદીઓ અને તેમની હિંસક પ્રવૃત્તિઓ હવે કેનેડાની પોતાની આંતરિક સુરક્ષા માટે ગંભીર જોખમ બની રહી છે.
કિશોરોમાં વધતું આતંકવાદનું પ્રમાણ
અહેવાલમાં સૌથી વધુ ચિંતાજનક બાબત એ સામે આવી છે કે આતંકવાદ સાથે જોડાયેલી તપાસોમાં 13થી 18 વર્ષની નાની વયના કિશોરોની સંડોવણી ઝડપથી વધી રહી છે. આંકડાકીય રીતે જોઈએ તો, કેનેડામાં થતી દર દસમાંથી એક આતંકવાદ વિરોધી તપાસમાં કોઈને કોઈ સગીર વયની વ્યક્તિ સામેલ હોય છે. 2023થી 2025 દરમિયાનના ગાળામાં અનેક સગીરોની વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓ બદલ ધરપકડ પણ કરવામાં આવી છે.
ઓનલાઈન નેટવર્કનું જાળું
CSIS એ ચેતવણી આપી છે કે 'કોમ' (Comm) અને '764' જેવા ખતરનાક આંતરરાષ્ટ્રીય ઓનલાઈન નેટવર્ક ખાસ કરીને બાળકો અને કિશોરોને નિશાન બનાવી રહ્યા છે. આ પ્લેટફોર્મ્સ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી બાળકોનું બ્રેઈનવોશ કરવામાં આવે છે અને તેમને હિંસક વિચારધારા તરફ ધકેલવામાં આવે છે.

