પેલેસ્ટાઇન બનશે અલગ દેશ? ફ્રાન્સે માન્યતા આપતા જ ભડક્યું અમેરિકા

પેલેસ્ટાઇનને અલગ દેશ તરીકે માન્યતા આપવાના ફ્રાંસના નિર્ણય પર અમેરિકા ભડક્યું છે. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ 7 ઓક્ટોબરે ઇઝરાયેલી નાગરિકોના નરસંહારના પીડિતોનું અપમાન ગણાવ્યું છે. રૂબિયો અનુસાર, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેંક્રોનો આ બકવાસ નિર્ણય હમાસના પ્રોપગેન્ડાને વધારશે અને મિડલ ઇર્સ્ટમાં શાંતિને પાછળ ધકેલી દેશે.
અમેરિકા ફ્રાન્સ પર કેમ ભડક્યું?
આ ઘટનાને લઇને અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ X પર પોસ્ટ પણ કર્યું હતું. જોકે, પેલેસ્ટાઇનને લઇને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેંક્રોએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના આગામી સત્રમાં પેલેસ્ટાઇનને અલગ દેશ બનાવવાની જાહેરાત કરવામાં આવશે.
ન્યૂઝ એજન્સી અનુસાર અત્યાર સુધી 142 દેશ પેલેસ્ટાઇનને માન્યતા આપી ચુક્યા છે અથવા ભવિષ્યમાં આપવાની યોજના બનાવી રહ્યા છે. આ સંખ્યા આંતરરાષ્ટ્રીય સમુદાયના બદલતા વિચારને દર્શાવે છે, જ્યાં પેલેસ્ટાઇનને કાયદેસર રાજકીય એન્ટિટી તરીકે સ્વીકારવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, ત્યારે ફ્રાન્સ પહેલો મુખ્ય પશ્ચિમી યુરોપિયન દેશ છે જેણે પેલેસ્ટાઇનને સ્પષ્ટપણે માન્યતા આપવાનો નિર્ણય લીધો છે.
ફ્રાન્સે પેલેસ્ટાઇનને દેશ તરીકે આપી માન્યતા
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને 24 જુલાઈએ જાહેરાત કરી હતી કે ફ્રાન્સ સપ્ટેમ્બર 2025માં યુએન જનરલ એસેમ્બલીમાં પેલેસ્ટાઇનને રાજ્ય તરીકે ઔપચારિક માન્યતા આપશે. આ નિર્ણય ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અને માનવતાવાદી કટોકટીના સંદર્ભમાં લેવામાં આવ્યો છે, જેનો હેતુ બે-રાષ્ટ્ર ઉકેલ (Two-State Solution)ને પ્રોત્સાહન આપવાનો છે. ફ્રાન્સ આ નિર્ણય સાથે G7 દેશોમાં પ્રથમ દેશ બનશે જે પેલેસ્ટાઇનને માન્યતા આપશે, જે એક મહત્ત્વપૂર્ણ રાજદ્વારી પગલું છે. આ નિર્ણયને પેલેસ્ટાઇની અધિકારીઓએ આવકાર્યો છે, જ્યારે ઇઝરાયેલે તેની ટીકા કરી છે.
ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ શું કહ્યું?
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ફ્રાન્સના નિર્ણયની ટીકા કરી છે. નેતન્યાહૂએ કહ્યું કે આ શાંતિ પ્રક્રિયા માટે હાનિકારક છે. આ હમાસ જેવા આતંકવાદી સંગઠનોને પ્રોત્સાહિત કરશે, તેનાથી ઇઝરાયેલની સુરક્ષાનો ખતરો વધશે.
આ 7 ઓક્ટોબરના હુમલાના પીડિતોનું અપમાન છે. ફ્રાન્સના આ નિર્ણયે યુરોપીય સંઘના અન્ય દેશો પર પણ દબાણ વધારી દીધુ છે.આયરલેન્ડ, સ્પેન, નોર્વે જેવા દેશોએ પહેલા જ પેલેસ્ટાઇને માન્યતા આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે, તેનાથી આ સંકેત મળે છે કે યુરોપ હવે અમેરિકાની વાતો માનતું નથી. જોકે, અમેરિકા લાંબા સમયથી આ મતના પક્ષમાં રહ્યું છે કે પેલેસ્ટાઇનને રાજ્યના રૂપમાં ત્યારે માન્યતા આપવામાં આવે જ્યારે તે ઇઝરાયેલને માન્યતા આપે અને આતંકવાદ છોડે.
ભારતનો મત શું છે?
ભારતે 1988માં પેલેસ્ટાઇનને માન્યતા આપી હતી અને ત્યારથી તે ઐતિહાસિક રીતે પેલેસ્ટાઇને સમર્થન આપે છે. યુએન સિક્યોરિટી કાઉન્સિલની મંજૂરી અને ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વાટાઘાટો મુખ્ય છે. ફ્રાન્સની માન્યતા એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જે અન્ય દેશોને પણ આ દિશામાં પ્રેરિત કરી શકે છે. ભારત, જે પહેલેથી જ પેલેસ્ટાઇનને માન્યતા આપે છે, તે બે-રાષ્ટ્ર ઉકેલને સમર્થન આપે છે અને યુએનમાં તેના મતદાન દ્વારા આ વલણને ચાલુ રાખે છે, જો કે તે કેટલીકવાર ચોક્કસ ઠરાવો પર તટસ્થ રહે છે જેથી ઇઝરાયેલ સાથેના સંબંધોને સંતુલિત કરી શકાય.
પેલેસ્ટાઇનને દેશ તરીકે કેમ માન્યતા મળી નથી?
પેલેસ્ટાઇન હજુ સંપૂર્ણ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સ્થાપિત થયું નથી, કારણ કે તેની પાસે આંતરરાષ્ટ્રીય રાજ્યની માન્યતા માટે જરૂરી કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓનો અભાવ છે, જેમ કે સ્પષ્ટ સરહદો અને પ્રદેશ પર નિયંત્રણ. પેલેસ્ટાઇનનો દાવો વેસ્ટ બેન્ક, ગાઝા સ્ટ્રીપ અને પૂર્વ જેરુસલેમ પર છે, પરંતુ આ વિસ્તારોનો મોટો ભાગ ઇઝરાયેલના નિયંત્રણ હેઠળ છે. ઇઝરાયેલે 1967ના છ દિવસના યુદ્ધ દરમિયાન આ વિસ્તારો પર કબજો કર્યો હતો, અને ત્યારથી તેનું નિયંત્રણ જાળવી રાખ્યું છે, જેના કારણે પેલેસ્ટાઇનીઓનું પોતાના પ્રદેશ પર સંપૂર્ણ સત્તા નથી.

