VIDEO: ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ તબાહ કરવાની ધમકી આપી
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી નવી ધમકી આપી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, 'હવેથી જ્યારે પણ ઈરાન હોર્મુઝ જળમાર્ગમાં કોઈપણ જહાજ પર મિસાઈલ, રોકેટ, ડ્રોન કે અન્ય હથિયારથી હુમલો કરશે, ત્યારે અમેરિકા તેના એક પુલ અથવા પાવર પ્લાન્ટને બોમ્બ ફેંકીને તબાહ કરી દેશે. આ નિશાનાઓમાં રાજધાની તેહરાનમાં કે તેની આસપાસ આવેલા સ્થળો પણ સામેલ હશે. ટ્રમ્પની આ ધમકી વચ્ચે અમેરિકી સેનાએ ઈરાન સામે સતત 11મી રાત્રે સૈન્ય અભિયાન ચલાવ્યું હતું. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, મંગળવારે મોડી રાત્રે થયેલા આ હુમલા 75 મિનિટ સુધી ચાલ્યા હતા, જેમાં ઈરાનના ઓપરેશન સેન્ટરો, ડ્રોન સ્ટોરેજ અને સૈન્ય લોજિસ્ટિક્સને નિશાન બનાવાયા હતા. અમેરિકાનો આક્ષેપ છે કે ઈરાને છેલ્લા 3 મહિનામાં હોર્મુઝ ક્ષેત્રમાંથી પસાર થતા 30થી વધુ વેપારી જહાજો પર હુમલા કર્યા છે. અમેરિકી સેનાનું કહેવું છે કે આ જવાબી કાર્યવાહીનો મુખ્ય હેતુ હોર્મુઝમાં વેપારી જહાજો માટે જોખમ ઊભું કરવાની ઈરાનની ક્ષમતાને નબળી પાડવાનો છે.

