VIDEO: અમેરિકાએ પાકિસ્તાન પાસેથી સૈન્ય અને ISI પાછળ થયેલા ખર્ચનો હિસાબ માગ્યો
અમેરિકાએ પાકિસ્તાનની નાણાકીય વ્યવસ્થામાં પારદર્શિતા વધારવાને લઈને કેટલીક મહત્ત્વની ભલામણો કરી છે. અમેરિકન વિદેશ વિભાગની ફિસ્કલ ટ્રાન્સપરન્સી રિપોર્ટમાં પાકિસ્તાનના બજેટ અને સરકારી નાણાકીય માહિતીની સમીક્ષા કરવામાં આવી છે. આ રિપોર્ટમાં સેના અને ગુપ્તચર એજન્સીઓના ખર્ચને સંસદીય અથવા નાગરિક દેખરેખ હેઠળ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આનો સીધો અર્થ એ છે કે હવે પાકિસ્તાને ISI અને પોતાની સેના પર થતા ખર્ચની વિગતો સાર્વજનિક કરવી પડી શકે છે. અમેરિકાની સૌથી મુખ્ય માગ પાકિસ્તાનના લશ્કર અને ગુપ્તચર એજન્સીઓના બજેટને લઈને છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને સેના અને ગુપ્તચર એજન્સીઓ પાછળ થતા સરકારી ખર્ચની માહિતી જાહેર કરવી જોઈએ અને તેના પર સામાન્ય નાગરિકો તેમજ સંસદની દેખરેખ રહે તે માટે સ્પષ્ટ વ્યવસ્થા બનાવવી જોઈએ. અમેરિકન વિદેશ વિભાગનું માનવું છે કે કોઈપણ દેશની નાણાકીય પારદર્શિતા માટે ત્યાંની સેના અને ગુપ્તચર બજેટ પર નાગરિકોની દેખરેખ હોવી ખૂબ જ જરૂરી છે.

