હૂતીઓ સામે લડી રહેલા સાઉદીની મદદે આવ્યું આ દેશ, સૈનિકો, રડાર અને એર ડિફેન્સ સિસ્ટમ મોકલવાની કરી જાહેરાત

યમનના હૂતી સંગઠન દ્વારા સાઉદી અરેબિયા પર સતત મિસાઇલ અને ડ્રોન હુમલાઓ વચ્ચે ફ્રાન્સે મહત્વપૂર્ણ સૈન્ય સહાયની જાહેરાત કરી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ સાઉદી અરેબિયાના મહત્વપૂર્ણ ઓઇલ સેન્ટર યાનબૂની સુરક્ષા માટે સૈનિકો, રડાર અને એર ડિફેન્સ સિસ્ટમ મોકલવાની જાહેરાત કરી હતી. જોકે, મેક્રોંએ સ્પષ્ટ કર્યું હતું કે ફ્રાન્સનો હેતુ હૂતીઓ સામે સીધા યુદ્ધમાં ઉતરવાનો નથી, પરંતુ સાઉદી અરેબિયાના મહત્વપૂર્ણ ઊર્જા માળખાની સુરક્ષા મજબૂત કરવાનો છે.
મેક્રોંએ ફ્રાન્સના ટીવી ચેનલ ટી.એફ.1 અને ફ્રાન્સ 2ને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે યાનબૂની સુરક્ષા માટે ફ્રાન્સ સૈનિકો, રડાર અને ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરશે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ સંભવિત મિસાઇલ અને ડ્રોન હુમલાઓ સામે યાનબૂના મહત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા વધારવાનો રહેશે.
યાનબૂ કેમ મહત્વપૂર્ણ?
લાલ સમુદ્રના કિનારે આવેલું યાનબૂ સાઉદી અરેબિયાના ઊર્જા ક્ષેત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અહીં મોટા ઓઇલ સ્ટોરેજ અને રિફાઇનિંગ પ્લાન્ટ આવેલા છે. યાનબૂ ઈસ્ટ-વેસ્ટ પાઇપલાઇન સાથે પણ જોડાયેલું છે. આ પાઇપલાઇન દ્વારા સાઉદી અરેબિયા પર્શિયન ગલ્ફ અને હોર્મુઝની ખાડીના બદલે લાલ સમુદ્રના માર્ગે વૈશ્વિક બજાર સુધી ક્રૂડ ઓઇલ પહોંચાડી શકવા સમર્થ છે, તેની ક્ષમતા આશરે 70 લાખ બેરલ પ્રતિ દિવસ છે. જો કે હાલમાં જ હૂતીઓએ યાનબૂ તરફ બેલિસ્ટિક મિસાઇલ હુમલાનો પ્રયાસ કર્યો હતો. હૂતીઓએ યાનબૂમાં સાઉદી અરામકોના સ્થળોને નિશાન બનાવ્યાનો દાવો પણ કર્યો હતો. બીજી તરફ, સાઉદી સેનાએ હૂતી સંગઠન દ્વારા છોડવામાં આવેલી અનેક બેલિસ્ટિક મિસાઇલને ઇન્ટરસેપ્ટ કર્યાનો દાવો કર્યો હતો.
અમેરિકા, પાકિસ્તાન વચ્ચે ફ્રાન્સની મદદ
હૂતી હુમલાઓ વચ્ચે અમેરિકા, પાકિસ્તાન અને તુર્કીની ભૂમિકા પણ મહત્વપૂર્ણ બની હતી. અહેવાલો અનુસાર અમેરિકાએ આ તબક્કે સાઉદી અરેબિયા માટે સીધા સૈન્ય અભિયાનમાં જોડાવાથી અંતર જાળવ્યું હતું. પાકિસ્તાન અને તુર્કી તરફથી પણ સીધી સૈન્ય મદદ અંગે જાહેરાત થઈ નથી. આ સ્થિતિમાં ફ્રાન્સની જાહેરાત મહત્વપૂર્ણ અને ખુબ જ રાહત આપનારી બનશે. ફ્રાન્સ અગાઉ પણ હૂતી હુમલાઓની નિંદા કરી ચૂક્યું છે અને ઓગસ્ટમાં મેક્રોં અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની મુલાકાત દરમિયાન બંને દેશોએ ડિફેન્સ કોઓપરેશન વધુ મજબૂત કરવાની જાહેરાત કરી હતી. યાનબૂમાં નવી સૈન્ય તૈનાતીને બંને દેશો વચ્ચેના વધતા સુરક્ષા સહયોગના વધુ એક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.

