ઈઝરાયલ હમાસ વચ્ચે સ્થિતિ તંગ થાય તેવી સંભાવના, નેતન્યાહુએ ગાઝા પર તાત્કાલિક શક્તિશાળી હુમલાનો આપ્યો આદેશ

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ જણાવ્યું હતું કે તેમણે લશ્કરને આદેશ આપ્યો છે કે ગાઝા પર તાકીદી અસરથી અતિશક્તિશાળી હુમલો કરે. દક્ષિણી ગાઝામાં હમાસે ઇઝરાયલના લશ્કરી દળો પર ગોળીબાર કર્યો હોવાનું ઇઝરાયલે જણાવ્યા પછી નેતન્યાહુએ આ આદેશ આપ્યો હતો. હમાસે ઇઝરાયલના મૃતક બંધકોના મૃતદેહ પરત આપ્યા પછી તનાવ આમ પણ ટોચે હતો.
નેતાન્યાહુના આદેશના પગલે ટ્રમ્પની આગેવાની હેઠળ ગાઝામાં સ્થપાયેલી શાંતિ પાછી ક્ષણજીવી નીવડી શકે છે. આગામી દિવસોમાં ઇઝરાયલ ગાઝામાં વધુને વધુ ભીષણ હુમલા કરી શકે છે.
હમાસે મૃતદેહ પરત કરવાથી કર્યો ઈનકાર
નેતન્યાહુએ આપેલા આદેશના પગલે હમાસે જણાવ્યું હતું કે અમે ઇઝરાયલના બાકીના બંધકોના મૃતદેહ પરત નહીં કરીએ. આમ મધ્યપૂર્વમાં સ્થિતિ ફરીથી તંગ થાય તેવી સંભાવના છે.
ઇઝરાયલે વેસ્ટ બેન્કના ઉત્તરી હિસ્સામાં ત્રણ પેલેસ્ટાઇની આતંકવાદીઓને મારી નાખ્યાનો દાવો કર્યો હતો. ઇઝરાયલની પોલીસે જણાવ્યું હતું કે વેસ્ટ બેન્કમાં આતંકવાદનો ગઢ મનાતા જેનિન ટાઉનમાંથી આવેલા ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. તેઓનો દાવો હતો કે આતંકવાદીઓ હુમલાનું આયોજન કરી રહ્યા હતા, પરંતુ તેની વિગતો તેમણે આપી ન હતી.
હમાસે ઈઝરાયલી હુમલાની કરી આકરી ટીકા
તેના પછી ઇઝરાયલના લશ્કરી હવાઈ હુમલા કરીને આખી ગુફાનો જ નાશ કર્યો હતો. લશ્કરે આ વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો હોવાની વાતને સમર્થન આપ્યું હતું. ઇઝરાયલનું કહેવું છે કે તેનું ઓપરેશન વેસ્ટબેન્કમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે છે.
હમાસે ઇઝરાયલના જેનિન પરના હુમલાની આકરી ટીકા કરી હતી. તેણે જણાવ્યું હતું કે માર્યા ગયેલા ત્રણમાંથી બે જણા તેની કાસમ બ્રિગેડના આતંકવાદી હતા. જ્યારે ત્રીજો વ્યક્તિ તેનો આગેવાન હતો, પરંતુ કોઈ બીજી વિગત આપી ન હતી.

