VIDEO: નેપાળ પૂર: મૃત્યુઆંક ૧૨૭૫ને પાર, ૩૮ મિનિટની ચેતવણી બની વિનાશનું કારણ
નેપાળમાં હિમશિખર તૂટી પડવાથી અચાનક આવેલા પૂર અને તારાજીમાં મૃત્યુઆંક વધીને ૧૨૭૫ને પાર થઈ ગયો છે જ્યારે ૪,૨૧૬ લોકો હજુ પણ લાપતા છે. આવા સમયે નેપાળમાં કુદરતી હોનારતોની ચેતવણી માટે ગોઠવાયેલી અર્લી વોર્નિંગ સિસ્ટમ સામે સવાલો ઉઠયા છે. નેપાળમાં ૨૬ ઓગસ્ટે હિમશિખર તૂટી પડયાની ૩૮ મિનિટ પછી અર્લિ વોર્નિંગ સિસ્ટમે હોનારત અંગે ચેતવણી આપી હતી. બીજીબાજુ ચીને ફરી એક વખત નેપાળમાં વધુ નવા ભૂસ્ખલન અને તેનાથી તારાજીના જોખમની ચેતવણી આપી છે.
નેપાળમાં પર્વતીય વિસ્તારોમાં ગ્લેશિયર તૂટવા, ભૂસ્ખલનની ઘટનાઓ વારંવાર થતી હોવાથી હોનારત અંગે વહેલા ચેતવણી મળતા જાનહાનિ અને નુકસાન ઓછું થઈ શકે તે માટે અર્લી વોર્નિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. જોકે, નેપાળમાં ૨૬ ઓગસ્ટની સવારે ૮.૩૭ કલાકે નેપાળ-તિબેટ સરહદે હિમશિખર તૂટયું હતું. આ હોનારતની ૩૮ મિનિટ પછી આ અંગે એલર્ટ જાહેર કરાઈ હતી. જોકે, ત્યાં સુધીમાં આવેલા ફ્લેશ ફ્લડે નેપાળમાં ભારે તારાજી સર્જી હતી. નેપાળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે પહેલી સત્તાવાર એલર્ટ મળ્યા પચી ૯.૧૫ કલાકે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મોબાઈલ પર ટેસ્ક્ટ મેસેજ મોકલ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં સરકારી તંત્રનો ૩૮ મિનિટનો વિલંબ કાળ સાબિત થયો. જોકે, મોડેથી મોકલાયેલા ટેક્સ્ટ એલર્ટ પછી અનેક લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા હતા, પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં લોકોને ચેતવણી અપાય તે પહેલાં જ ભારે તારાજી સર્જાઈ ગઈ હતી.
નેપાળમાં સર્જાયેલી આ તારાજીથી એક સપ્તાહમાં ભોટેકોશી-ત્રિશૂલી નદીની આજુબાજુના વિસ્તારમાં અંદાજે ૨૨ લાખ ટન કાટમાળ જમા થઈ ગયો છે, જેમાં માટી, પથ્થર, કાદવ, તૂટેલા વૃક્ષોનો સમાવેશ થાય છે. વધુમાં આ કાટમાળમાં ૫.૫૬ લાખ કાટમાળ તૂટેલા ઘર, લોકોના ઘરેલુ સામાન સહિત તૂટેલી ઈમારતોમાંથી આવ્યો છે. આ પૂરથી છ જિલ્લામાં ૮૪,૨૭૦ લોકો પર અસર થઈ છે. આ વિસ્તારોમાં ૨,૩૫૯ ઈમારતોનો નાશ થયો છે અથવા તેને ભારે નુકસાન થયું છે. વધુમાં નેપાળની વીજવ્યવસ્થાને પણ ભારે નુકસાન થયું છે. ૧૧ હાઈડ્રોપાવર સ્ટેશન અને એક સોલાર પ્લાન્ટને નુકસાન થયું છે. આ સિવાય ૧૫ વીજપ્રોજેક્ટ પર પણ અસર થઈ છે. સરકારે સર્ચ અને રેસ્ક્યુ કામગીરી માટે ૨૧,૩૧૪ સુરક્ષા જવાનો તૈનાત કર્યા છે.

