VIDEO: લોન્ચિંગના અંતિમ સેકન્ડોમાં SpaceX એ સ્ટારશિપ સુપર હેવીનું 13 મું ટેસ્ટ લોન્ચિંગ અટકાવ્યું
વિશ્વની અગ્રણી સ્પેસ કંપની સ્પેસએક્સ (SpaceX) ના અત્યાર સુધીના સૌથી મહત્વાકાંક્ષી મિશન 'સ્ટારશિપ ફ્લાઇટ 13' (Starship Flight 13) ને મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવારે વહેલી સવારે કાઉન્ટડાઉન (Countdown) ની અંતિમ ક્ષણોમાં આ રોકેટનું લોન્ચિંગ અટકાવી દેવામાં આવ્યું (Launch Aborted) હતું. ટેક્સાસના સ્ટારબેઝ (Starbase) ખાતે જ્યારે સુપર હેવી બૂસ્ટરે (Super Heavy Booster) તેના 33 એન્જિન શરૂ કર્યા, બરાબર તે જ સમયે ઓટોમેટેડ સિસ્ટમે (Automated System) ટેકનિકલ ખામી શોધીને મિશનને હોલ્ડ પર મૂકી દીધું હતું.
ત્રીજી પેઢીના સ્ટારલિંક સેટેલાઇટનું થવાનું હતું લોન્ચિંગ
આ 13મી ઇન્ટિગ્રેટેડ ફ્લાઇટ ટેસ્ટ (13th Integrated Flight Test) નો મુખ્ય હેતુ ભવિષ્યના ચંદ્ર અને મંગળ મિશન માટેની મહત્વપૂર્ણ ટેકનોલોજી ચકાસવાનો હતો. આ મિશનમાં પ્રથમ વખત સ્ટારશિપ રોકેટ દ્વારા ઓપરેશનલ ત્રીજી પેઢીના (V3) 20 સ્ટારલિંક સેટેલાઇટ (Starlink Satellites) અવકાશમાં મોકલવાના હતા.
આ એક ડેમોન્સ્ટ્રેશન મિશન (Demonstration Mission) હોવાથી, સેટેલાઇટ્સ લોન્ચ થયાના 20 મિનિટ બાદ વાતાવરણમાં પુનઃ પ્રવેશ (Re-entry) કરતી વખતે સ્ટારશિપની સાથે જ બળીને ખાખ થઈ જવાના હતા. આ પૈકીના 6 સેટેલાઇટમાં ખાસ કેમેરા લગાવવામાં આવ્યા હતા, જે ફ્લાઇટ દરમિયાન રોકેટની હીટ શીલ્ડ (Heat Shield) ના ફોટોગ્રાફ્સ લેવાના હતા જેથી થર્મલ પ્રોટેક્શન ટાઇલ્સની (Thermal Protection Tiles) સ્થિતિ જાણી શકાય.
સ્પેસમાં રેપ્ટર એન્જિન રીસ્ટાર્ટનું પરીક્ષણ
મિશનનો બીજો મોટો ઉદ્દેશ્ય અંતરિક્ષમાં રેપ્ટર એન્જિન રીસ્ટાર્ટ (Raptor Engine Restart) કરવાનો હતો. આ ક્ષમતા ભવિષ્યના ઓર્બિટલ મિશન, સેટેલાઇટ ડિપ્લોયમેન્ટ અને ચંદ્ર-મંગળના ઉતરાણ માટે ખૂબ જ અનિવાર્ય માનવામાં આવે છે. સ્પેસએક્સે રોકેટને સંપૂર્ણ પુનઃઉપયોગી (Fully Reusable) બનાવવા માટે ટાઇલ્સ જોડવાની નવી પદ્ધતિ અને મેટાલિક હીટ શીલ્ડ ટાઇલ્સની ટેકનોલોજી અપગ્રેડ કરી હતી, જેનું પરીક્ષણ આ ફ્લાઇટમાં થવાનું હતું.
અગાઉની ખામીઓ સુધારવાનો પ્રયાસ
સ્પેસએક્સના અગાઉના 'ફ્લાઇટ 12' (Flight 12) મિશન દરમિયાન બૂસ્ટરના 5 રેપ્ટર એન્જિન બૂસ્ટબેક બર્ન (Boostback Burn) વખતે ફરી ચાલુ થવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ખામીને સુધારવા માટે એન્જિનિયરોએ સ્ટાર્ટઅપ સિક્વન્સ અને હાર્ડવેર અપગ્રેડ (Hardware Upgrades) કર્યા હતા. આ વખતે બૂસ્ટર સ્ટેજ સેપરેશન (Stage Separation) બાદ મેક્સિકોના અખાતમાં કંટ્રોલ્ડ સ્પ્લેશડાઉન (Controlled Splashdown) કરવાનું હતું.
મંગળ અને ચંદ્ર મિશન માટે મહત્વનું પગલું
સ્પેસએક્સ માટે આ ફ્લાઇટ માત્ર એક સામાન્ય લોન્ચિંગ નહોતું, પરંતુ નાસાના આર્ટેમિસ મૂન પ્રોગ્રામ (NASA's Artemis Lunar Programme) અને મંગળ ગ્રહ પર માનવીને મોકલવાના સપનાને સાકાર કરવા તરફનું એક મોટું અને નિર્ણાયક પગલું હતું.

