VIDEO: ન્યૂયોર્ક/ UN મુખ્યાલય નજીક શંકાસ્પદ પેકેટ મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ, બોમ્બની આશંકાથી રસ્તાઓ બંધ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના (UN General Assembly) 81મા સત્ર વચ્ચે ન્યૂયોર્કમાં મંગળવારે એક શંકાસ્પદ પેકેટ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ (Security Agencies) દોડતી થઈ ગઈ હતી. આ પેકેટ 43મી સ્ટ્રીટ અને થર્ડ એવન્યુ નજીકથી મળી આવ્યું હતું. આ વિસ્તાર સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયથી થોડે જ અંતરે આવેલો હોવાથી અધિકારીઓએ કોઈપણ જોખમ ટાળવા માટે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા વધારી હતી.
પેકેટ મળ્યા બાદ ન્યૂયોર્ક પોલીસે આસપાસના કેટલાક રસ્તાઓ બંધ કરી દીધા હતા અને લોકોને આ વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવી હતી. ઘટનાના કારણે થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી.
તપાસ બાદ પેકેટમાં શું મળ્યું?
ન્યૂયોર્ક પોલીસ વિભાગ (NYPD) દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ સ્પષ્ટ થયું કે મળેલું પેકેટ જોખમી નહોતું. અમેરિકી સિક્રેટ સર્વિસ (US Secret Service)ના પ્રવક્તા અનુસાર, 22 સપ્ટેમ્બરે બપોરે આશરે 3 વાગ્યે 43મી સ્ટ્રીટ અને થર્ડ એવન્યુ આસપાસના રસ્તાઓ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા હતા.
સુરક્ષા ટીમોએ પેકેટની તપાસ કર્યા બાદ તેમાં સામાન્ય લોકો માટે કોઈ ખતરો ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વિસ્તાર ધીમે ધીમે ફરી ખોલવામાં આવ્યો હતો. જોકે, 43મી સ્ટ્રીટના થર્ડ એવન્યુથી લેક્સિંગ્ટન એવન્યુ સુધીનો રસ્તો થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યો હતો.
અનેક રસ્તાઓ પર પોલીસનો કાફલો
ઘટના સમયે આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા અને અનેક મોટરકેડ (Motorcade) પણ આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા.
એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે સમગ્ર સ્થિતિ થોડીવાર માટે તણાવપૂર્ણ બની ગઈ હતી. અન્ય એક વ્યક્તિના જણાવ્યા મુજબ, થર્ડ એવન્યુને 42મી સ્ટ્રીટની ઉત્તરે કેટલાક કલાકો સુધી ઘેરી રાખવામાં આવ્યો હતો. આસપાસ મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ હાજર હોવાથી લોકોને પણ પરિસ્થિતિ અંગે ચિંતા થઈ હતી.
UN મહાસભા વચ્ચે સુરક્ષા કેમ કડક છે?
ન્યૂયોર્કમાં આ ઘટના એવા સમયે બની છે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 81મું સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન વિશ્વભરના રાષ્ટ્રાધ્યક્ષો, વડાપ્રધાનો અને અન્ય વરિષ્ઠ નેતાઓ ન્યૂયોર્કમાં હાજર છે.
22થી 26 સપ્ટેમ્બર અને ત્યારબાદ 28 સપ્ટેમ્બરે મહાસભાની ઉચ્ચસ્તરીય સામાન્ય ચર્ચા યોજાવાની છે. તેના કારણે UN મુખ્યાલય આસપાસ પહેલેથી જ સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે. વિવિધ દેશોના નેતાઓના આગમન અને મોટરકેડની અવરજવર દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવે છે.
આવી સ્થિતિમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ અથવા પેકેટની માહિતી મળતાં સુરક્ષા એજન્સીઓ તરત જ સક્રિય થઈ જાય છે.
UN મહાસભામાં કયા મુદ્દાઓ પર ચર્ચા?
આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની થીમ વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા અને બદલાતી પરિસ્થિતિઓનું સંચાલન કરવા સાથે જોડાયેલી છે. મહાસભાના સત્ર દરમિયાન આબોહવા પરિવર્તન સામેની કાર્યવાહી (Climate Action), વિકાસ, સમુદ્રના વધતા જળસ્તર અને ભવિષ્યની મહામારીઓ સામે તૈયારી જેવા અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરના આ મહત્વપૂર્ણ કાર્યક્રમ વચ્ચે ન્યૂયોર્કમાં સુરક્ષાને લઈને મળતી દરેક માહિતી ગંભીરતાથી લેવામાં આવી રહી છે. જોકે, 43મી સ્ટ્રીટ નજીક મળેલા પેકેટની તપાસ બાદ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેનાથી સામાન્ય લોકો માટે કોઈ ખતરો નહોતો.

