Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Saudi Arabia's crude production at 36-year low, crisis looms large for India; Petrol-diesel likely to become costlier

VIDEO: સાઉદી અરેબિયાનું ક્રૂડ ઉત્પાદન 36 વર્ષના તળિયે, ભારત માટે વધ્યું સંકટ; પેટ્રોલ-ડીઝલ મોંઘાં થવાની ભીતિ

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઈરાન યુદ્ધની અસર હવે વૈશ્વિક ક્રૂડ ઓઇલ (Crude Oil) સપ્લાય પર સ્પષ્ટ જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) અને લાલ સમુદ્ર (Red Sea) જેવા મહત્વના દરિયાઈ માર્ગો પર પુરવઠો ખોરવાતા વિશ્વના મોટા ક્રૂડ ઉત્પાદક દેશ સાઉદી અરેબિયામાં ઉત્પાદન 36 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. આ સ્થિતિ ભારત માટે પણ ચિંતાજનક બની છે, કારણ કે સાઉદી અરેબિયા ભારતના મોટા ક્રૂડ ઓઇલ સપ્લાયર્સમાં સામેલ છે.

App Store

સાઉદી અરેબિયાના જણાવ્યા અનુસાર, દેશમાં દૈનિક ક્રૂડ ઓઇલનું ઉત્પાદન 1.9 મિલિયન બેરલ ઘટીને 6.2 મિલિયન બેરલ થઈ ગયું છે. આ ઉત્પાદન સ્તર 1990 પછીનું સૌથી નીચું હોવાનું જણાવાયું છે. બીજી તરફ, ઓગસ્ટ દરમિયાન સાઉદી અરેબિયાની ક્રૂડ નિકાસમાં પણ લગભગ 40 ટકાનો ઘટાડો નોંધાયો છે.

કામચલાઉ ટેન્કર ટ્રેકિંગ ડેટા પ્રમાણે, સાઉદી અરેબિયાની ક્રૂડ નિકાસ 5.1 મિલિયન બેરલથી ઘટીને 3.1 મિલિયન બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ છે. સાઉદી અરેબિયા ઓપેક (OPEC) દેશોમાં સૌથી મોટો ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશ છે, તેથી તેના ઉત્પાદનમાં ઘટાડાની સીધી અસર વૈશ્વિક બજાર પર પડી શકે છે.

ભારત માટે કેમ ચિંતાનો વિષય?

સાઉદી અરેબિયા ભારતના ત્રીજા સૌથી મોટા ક્રૂડ ઓઇલ સપ્લાયરમાં સામેલ છે. ઈરાન યુદ્ધ પહેલાં સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન સાઉદી અરેબિયાથી ભારતને દરરોજ સરેરાશ 7.43 લાખ બેરલ ક્રૂડ મળતું હતું. જોકે, ફેબ્રુઆરીથી ઓગસ્ટ વચ્ચે આ પુરવઠો ઘટીને આશરે 4.40 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ ગયો હતો.

ભારત પોતાની કુલ ક્રૂડ ઓઇલ જરૂરિયાતના આશરે 90 ટકા જેટલા હિસ્સા માટે આયાત પર નિર્ભર છે. આવી સ્થિતિમાં વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ વધે તો ભારતનું આયાત બિલ વધી શકે છે અને ભારતીય રૂપિયા પર પણ દબાણ વધી શકે છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા

ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો ભારતના સામાન્ય ગ્રાહકો માટે પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ મોંઘું થવાથી આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા વધી શકે છે. તેની અસર પરિવહન ખર્ચથી લઈને વિવિધ ચીજવસ્તુઓના ભાવ સુધી જોવા મળી શકે છે.

ઈરાની જહાજો પર થયેલા હુમલાઓને કારણે ગલ્ફ વિસ્તારમાં દરિયાઈ ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે. બીજી તરફ, યમનના હુતી બળવાખોરોએ દરિયાકાંઠાના શહેર મોચા પર કબજો મેળવ્યો હોવાના અહેવાલો વચ્ચે લાલ સમુદ્રમાંથી પસાર થતા જહાજો માટે જોખમ વધ્યું છે.

મોચા બંદર બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ નજીક આવેલું છે. આ માર્ગ વૈશ્વિક શિપિંગ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. હોર્મુઝ સ્ટ્રેટ અને બાબ-અલ-મંડેબ જેવા મહત્વના દરિયાઈ માર્ગો પર વધેલા જોખમને કારણે ક્રૂડ ઓઇલના વૈશ્વિક પુરવઠા પર દબાણ વધી રહ્યું છે.

આ સપ્લાય ચિંતાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 108 ડોલરની ચાર મહિનાની ટોચને પાર કરી ગયા છે. આ અઠવાડિયામાં જ ક્રૂડના ભાવમાં લગભગ 13 ટકાનો ઉછાળો નોંધાયો છે. જો સપ્લાયમાં વિક્ષેપ લાંબો ચાલશે તો ભારત સહિત અનેક આયાત આધારિત દેશો પર મોંઘવારીનું દબાણ વધુ વધી શકે છે.