VIDEO/ રશિયામાં હાહાકાર... યુક્રેનના ડ્રોન હુમલા બાદ મોસ્કોમાં પડ્યો કાળો વરસાદ, લોકોમાં ભારે દહેશત

યુક્રેન દ્વારા કરવામાં આવેલા અત્યાર સુધીના સૌથી મોટા ડ્રોન હુમલાએ (Drone Attack) રશિયાની રાજધાની મોસ્કોને ધ્રુજાવી દીધી છે. આ ભીષણ હુમલા બાદ મોસ્કોના દક્ષિણ-પૂર્વીય વિસ્તારો, જેમ કે કપોત્ન્યા અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશમાંથી 'કાળા વરસાદ' (Black Rain) થવાની એક અત્યંત અજીબોગરીબ અને ડરામણી ઘટના સામે આવી છે. સ્થાનિક રહીશોના વાહનો, કપડાં અને રસ્તાઓ પર કાળા રંગના તેલના ટીપાં અને કાળી રાખ (Soot) જામી ગઈ છે, જેને જોઈને વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદો (Environmentalists) ભારે ચિંતામાં મુકાઈ ગયા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમિર ઝેલેન્સકીએ આ હુમલાને યોગ્ય ઠેરવતા ચેતવણી આપી છે કે, "અમે આ યુદ્ધ ક્યારેય નહોતા ઈચ્છતા, પરંતુ જો યુક્રેન સળગશે, તો તમારું મોસ્કો પણ સળગશે." આ હુમલો યુક્રેનના કીવમાં આવેલા એક ઐતિહાસિક મઠ પર રશિયાએ કરેલા હુમલાના જવાબમાં કરવામાં આવ્યો હતો.
ઇતિહાસનો સૌથી મોટો ડ્રોન હુમલો
યુક્રેને મોસ્કોને નિશાન બનાવીને સેંકડો ડ્રોન હુમલા કર્યા છે, પરંતુ આ યુદ્ધનો અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો (Air Strike) માનવામાં આવે છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે (Air Defense System) સેંકડો ડ્રોન તોડી પાડ્યા છે, પરંતુ કેટલાક ડ્રોન મોસ્કોની સુરક્ષા ભેદવામાં સફળ રહ્યા હતા.
આ હુમલાનો મુખ્ય ટાર્ગેટ મોસ્કોની કપોત્ન્યા ઓઇલ રિફાઇનરી (Kapotnya Oil Refinery) હતી, જે મોસ્કોના કુલ પેટ્રોલ વપરાશનો 40% અને ડીઝલનો અડધો હિસ્સો સપ્લાય કરે છે. યુક્રેનના નવા હાઇબ્રિડ 'Bars' ડ્રોન-ક્રૂઝ મિસાઇલે રિફાઇનરીના વિશાળ ઓઇલ સ્ટોરેજ ટેન્ક (Oil Storage Tanks) પર સચોટ નિશાન સાધ્યું હતું, જેના કારણે મોસ્કોના એરપોર્ટ બંધ કરવા પડ્યા હતા અને સેંકડો ફ્લાઇટ્સ કેન્સલ (Flights Cancelled) થઈ ગઈ હતી.
શું છે આ 'કાળો વરસાદ'
હુમલાના થોડા જ કલાકોમાં, રિફાઇનરીથી કેટલાક કિલોમીટર દૂર આવેલા વિસ્તારોમાં આકાશમાંથી પાણીના ટીપાં સાથે કાળા રંગના ધબ્બા પડવાના શરૂ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયેલા વીડિયોમાં કારની છતો પર કાળા તેલનું સ્તર જામી ગયેલું જોવા મળ્યું હતું.
શરૂઆતમાં વહીવટીતંત્રે આવી કોઈ ઘટનાનો ઇનકાર કર્યો હતો, પરંતુ બાદમાં ખતરાને જોતા મોસ્કોની સત્તાવાર ટેલિગ્રામ ચેનલ (Telegram Channel) પર એડવાઇઝરી (Advisory) જાહેર કરવામાં આવી હતી. પ્રશાસને લોકોને પોતાની બારીઓ બંધ રાખવાની અને બાળકો, વડીલો તેમજ અસ્થમાના દર્દીઓને (Asthma Patients) આ વિસ્તારથી દૂર સુરક્ષિત સ્થળે જતા રહેવાની સલાહ આપી છે.
કાળા વરસાદ પાછળનું વૈજ્ઞાનિક કારણ
આકાશમાંથી સામાન્ય પાણીના બદલે કાળો તૈલી પદાર્થ પડવો એ કોઈ દૈવી પ્રકોપ નથી, પરંતુ એક શુદ્ધ રાસાયણિક પ્રક્રિયા (Chemical Process) છે:
અધૂરું દહન અને કાળી રાખ (Incomplete Combustion): જ્યારે ડ્રોન હુમલાને કારણે રિફાઇનરીના કાચા તેલના ટેન્કોમાં આગ લાગી, ત્યારે ઓક્સિજનની અછત સર્જાઈ હતી. ઓક્સિજન ઓછો હોવાને કારણે તેલ પૂરેપૂરું સળગી શક્યું નહીં અને ભારે માત્રામાં વગર બળેલા કાર્બનના બારીક કણો (Carbon Particles) હવામાં મુક્ત થયા, જેને આપણે કાળી રાખ અથવા કાલિખ કહીએ છીએ.
થર્મલ અપડ્રાફ્ટ (Thermal Updraft): આગની અતિશય ગરમીને કારણે રિફાઇનરીની ઉપરની હવા ગરમ થઈને ખૂબ જ ઝડપથી આકાશ તરફ ઉપર ગઈ. આ શક્તિશાળી ગરમ હવા પોતાની સાથે કાચા તેલના અતિ સૂક્ષ્મ ટીપાં અને કાળી રાખને વાતાવરણમાં ઘણી ઊંચાઈ સુધી લઈ ગઈ.
કન્ડેન્સેશન ન્યુક્લિઆઈ (Condensation Nuclei): જ્યારે આ કાર્બનના કણો વાતાવરણના ઉપરના ઠંડા ભાગમાં પહોંચ્યા, ત્યારે હવામાં રહેલો ભેજ (Moisture) તેમની આસપાસ જમા થવા લાગ્યો. તે જ સમયે વિસ્તારમાં હળવી બૂંદાબાંદી પણ થઈ રહી હોવાથી કુદરતી વરસાદના ટીપાં આ હાઇડ્રોકાર્બન અને કાળી રાખ સાથે ભળી ગયા અને જમીન પર 'કાળા વરસાદ' તરીકે પડ્યા.
પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો
પેટ્રોલિયમ પદાર્થોથી યુક્ત આ 'કાળી વરસાદ' પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે:
શ્વાસ સંબંધી બીમારીઓ (Respiratory Issues): હવામાં હાજર આ બારીક કાર્બન કણો (PM 2.5) શ્વાસ દ્વારા ફેફસાં સુધી પહોંચી શકે છે, જે અસ્થમા અને હૃદયના દર્દીઓ માટે અચાનક જીવલેણ સ્થિતિ ઊભી કરી શકે છે.
સ્કીન અને હેર ડેમેજ (Skin & Hair Damage): આ તૈલી વરસાદના સંપર્કમાં આવવાથી ત્વચા પર એલર્જી (Allergy), બળતરા અને વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે, કારણ કે તેમાં કેન્સર પેદા કરી શકે તેવા હાનિકારક કેમિકલ કમ્પાઉન્ડ્સ (Chemical Compounds) હોય છે.
જળ અને જમીન પ્રદૂષણ (Water & Soil Pollution): જ્યારે આ કાળું તેલ વહીને સ્થાનિક જળાશયોમાં જશે અથવા જમીનમાં ઉતરશે, ત્યારે તે પીવાના પાણીના સ્ત્રોતોને દૂષિત કરશે અને જમીનની ફળદ્રુપતાને પણ નુકસાન પહોંચાડશે.

