VIDEO: ભારત-ન્યૂઝીલેન્ડ FTAને સંસદની મંજૂરી, ભારતીય માલની 100% ડ્યુટી-ફ્રી એન્ટ્રી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવતા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (FTA)ને ન્યૂઝીલેન્ડની સંસદે મંજૂરી આપી છે. બુધવારે સંસદમાં બિલ 93 વિરુદ્ધ 29 મતથી પસાર થયું હતું. હવે બંને દેશોની જરૂરી મંજૂરી અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ કરાર અમલમાં આવશે.
ભારતીય નિકાસકારોને મળશે ડ્યુટી-ફ્રી એક્સેસ
આ કરાર અમલમાં આવ્યા બાદ ન્યૂઝીલેન્ડમાં ભારતથી નિકાસ થતા તમામ માલને ડ્યુટી-ફ્રી (Duty-Free) પ્રવેશ મળશે. તેનાથી ટેક્સટાઇલ, કપડાં, લેધર, ફૂટવેર, એન્જિનિયરિંગ ગુડ્સ, પ્રોસેસ્ડ ફૂડ, સિરામિક્સ, કાર્પેટ અને ઓટોમોબાઇલ સહિતના ક્ષેત્રોને ન્યૂઝીલેન્ડના બજારમાં વધુ સરળતાથી પ્રવેશ મળી શકશે.
ન્યૂઝીલેન્ડની 95% નિકાસ પર ટેરિફ ઘટશે
FTA હેઠળ ન્યૂઝીલેન્ડથી ભારતમાં થતી આશરે 95 ટકા નિકાસ પરના ટેરિફ (Tariff) નાબૂદ અથવા નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવશે. કરાર અમલમાં આવ્યાના પ્રથમ દિવસથી જ તેના હેઠળ આવતી અડધાથી વધુ વસ્તુઓ ડ્યુટી-ફ્રી બની જશે.
15 વર્ષમાં 20 અબજ ડૉલરનું રોકાણ
આ કરાર હેઠળ ન્યૂઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ન્યૂઝીલેન્ડ ડૉલરનું રોકાણ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બંને દેશોએ આ FTA પર એપ્રિલ 2026માં હસ્તાક્ષર કર્યા હતા. જૂન 2026 સુધીના એક વર્ષમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 3.99 અબજ ન્યૂઝીલેન્ડ ડૉલર રહ્યો હતો.

