Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Pakistan Burns Christian Homes and Shops; 35+ Families Flee Village

VIDEO: ખ્રિસ્તી પરિવારોનાં ઘર-દુકાનો સળગાવ્યાં, 35થી વધુ પરિવારો ગામ છોડીને ભાગ્યા, પાકિસ્તાનમાં ફરી હિંસા!

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓની સુરક્ષાને લઈને ફરી ગંભીર સવાલો ઊભા થયા છે. શેખૂપુરા જિલ્લામાં ઈશનિંદા (Blasphemy)ના આરોપમાં એક ખ્રિસ્તી વ્યક્તિની ધરપકડ બાદ ટોળાએ તેનું ઘર અને ફાર્મસી સળગાવી દીધાં હોવાનો અહેવાલ છે. ઘટનાથી ગભરાયેલા ખ્રિસ્તી સમુદાયના 35થી વધુ પરિવારો પોતાનાં ઘર છોડીને સુરક્ષિત સ્થળે જવા મજબૂર થયા છે.

App Store

ટોળાએ ઘર અને ફાર્મસીમાં આગ લગાવી

આ ઘટના લાહોરથી લગભગ 50 કિલોમીટર દૂર શેખૂપુરા જિલ્લાના ઘરિયાલ કલાં ગામમાં ગુરુવારે બની હતી. આરોપીની ઓળખ 40 વર્ષીય કામરાન ગુલ મસીહ તરીકે થઈ છે. તેના પર સોશિયલ મીડિયા પર ઈશનિંદા સાથે જોડાયેલો વીડિયો શેર કરવાનો આરોપ છે.

પોલીસ અધિકારી ઝુબૈર અબ્બાસના જણાવ્યા અનુસાર, કામરાનની ધરપકડ કરવામાં આવી હતી. ટોળા દ્વારા તેની હત્યા થવાની આશંકાને પગલે તેને સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યો હતો. જોકે, સ્થાનિક મસ્જિદમાંથી લોકોને તેના ઘરની આસપાસ એકઠા થવાની જાહેરાત થયા બાદ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. ત્યારબાદ ટોળાએ તેના ઘર અને ફાર્મસીમાં આગ લગાવી દીધી હતી.

ફેસબુક વીડિયો બાદ વિવાદ

પોલીસ ફરિયાદ (FIR) અનુસાર, કામરાને ફેસબુક પર એક વીડિયો શેર કર્યો હોવાની માહિતી મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે વીડિયો અને તેના સ્ક્રીનશૉટ્સ પુરાવા તરીકે જપ્ત કર્યા હતા. આ કેસમાં પાકિસ્તાન દંડ સંહિતાની કલમ 295-C હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

આગચંપી મામલે અલગ કેસ નોંધાયો

પોલીસે ઘર અને ફાર્મસીમાં તોડફોડ તથા આગચંપી કરનારાઓ સામે પણ અલગ ફરિયાદ નોંધી છે. આ કેસમાં પાંચ લોકોનાં નામ આરોપી તરીકે નોંધાયાં છે, જ્યારે અન્ય અજાણ્યા લોકોની પણ તપાસ થઈ રહી છે.

ઘટના બાદ 35થી વધુ ખ્રિસ્તી પરિવારો ઘર છોડીને જતા રહ્યા છે. પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

પાકિસ્તાનમાં ઈશનિંદાના આરોપોને કારણે અગાઉ પણ ટોળાની હિંસાની ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાએ ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં થતી હિંસા અંગે ફરી ચિંતા વધારી છે.