VIDEO: ઈરાન સાથે ઓઈલ વેપાર ભારે પડ્યો! મુંબઈની 2 કંપનીઓ અને 5 ભારતીયો પર અમેરિકાનો બૅન
ઈરાન સાથે કથિત રીતે પ્રતિબંધિત પેટ્રોલિયમ ઉત્પાદનોનો વેપાર કરવા બદલ અમેરિકાએ મોટી કાર્યવાહી કરી છે. અમેરિકાએ મુંબઈ સ્થિત બે ભારતીય કંપનીઓ અને પાંચ ભારતીય નાગરિકો પર કડક પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકાના વિદેશ મંત્રાલયનો આરોપ છે કે આ કંપનીઓએ પ્રતિબંધો છતાં ઈરાનથી પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાતમાં મદદ કરી હતી અને ઈરાની તંત્ર સુધી લાખો ડૉલર પહોંચાડવામાં ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, અમેરિકાના નાણા મંત્રાલયે ઈરાનના ઓઈલ નેટવર્ક સાથે જોડાયેલા 17 આંતરરાષ્ટ્રીય જહાજો સામે પણ કાર્યવાહી કરી છે.
મુંબઈની કઈ બે કંપનીઓ અને પાંચ ભારતીયો પર પ્રતિબંધ?
અમેરિકાના વિદેશ મંત્રાલયના અહેવાલ મુજબ, મુંબઈ સ્થિત 'SSPL સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ' અને 'સમુદ્ર મરીન સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ' પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ કંપનીઓ સાથે સંકળાયેલા પાંચ ભારતીય નાગરિકો પણ અમેરિકાની કાર્યવાહીના દાયરામાં આવ્યા છે.
SSPL સોલ્યુશન્સ: આ કંપની સાથે જોડાયેલા ધ્વનિ વોરા અને નિસર્ગ વોરા સામે પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે.
સમુદ્ર મરીન સર્વિસીસ: આ કંપની સાથે સંકળાયેલા કેતન કોચિકર, ભૂપેન્દ્રસિંહ સાહૂ અને હરિશ્યામ હરિહરન ચુંડાકટ્ટિલ સામે પણ અમેરિકાએ કાર્યવાહી કરી છે.
અમેરિકી સરકારના નિર્ણયથી સંબંધિત કંપનીઓ અને વ્યક્તિઓના નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધોની અસર પડશે. જોકે, અહેવાલ મુજબ, સમુદ્ર મરીન સર્વિસીસને અગાઉથી ચાલી રહેલા વ્યવહારો પૂર્ણ કરવા માટે 23 ઓક્ટોબર સુધીનો મર્યાદિત સમય આપવામાં આવ્યો છે.
‘ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ’થી ઈરાન પર દબાણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ઈરાનના ઓઈલ નેટવર્ક સામેની આ કાર્યવાહી માટે ‘ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ’ અભિયાન શરૂ કર્યું છે. અમેરિકાનો આરોપ છે કે ઈરાન પ્રતિબંધિત ઓઈલના વેચાણથી મળતી આવકનો ઉપયોગ પશ્ચિમ એશિયામાં સૈન્ય અભિયાનો અને આતંકવાદી સંગઠનોને નાણાં પૂરાં પાડવા માટે કરે છે.
આથી ઈરાનની પેટ્રોલિયમ આવક પર નિયંત્રણ લાવવા અને તેની આર્થિક તથા સૈન્ય ક્ષમતા પર દબાણ વધારવા માટે અમેરિકાએ કાર્યવાહી તેજ કરી છે. આ અભિયાન હેઠળ ઈરાનના ઓઈલ વેપાર સાથે સંકળાયેલી કંપનીઓ, વ્યક્તિઓ અને પરિવહન નેટવર્કને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.
17 ઓઈલ ટેન્કરો અને તુર્કિયે-UAEની કંપનીઓ પણ નિશાન પર
અમેરિકાની કાર્યવાહી માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી. અમેરિકાના નાણા મંત્રાલયે ઈરાની ક્રૂડ ઓઈલ, લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG), મેથેનોલ અને નેપ્થા જેવા ઉત્પાદનોની હેરફેર કરતા 17 આંતરરાષ્ટ્રીય જહાજો પર પણ પ્રતિબંધો લાદ્યા છે. આ જહાજો દક્ષિણ અને પૂર્વ એશિયાનાં બજારો સુધી ઈરાની ઉત્પાદનો પહોંચાડતા હોવાનો આરોપ છે.
આ ઉપરાંત, ઈરાની પેટ્રોકેમિકલ ઉત્પાદનોની ખરીદી સાથે સંકળાયેલી તુર્કિયેની 'નૂરઝાદ પેટ્રોકેમ્યા' અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ની 'અરેબિયનપ્રો મટિરિયલ્સ' સહિત અન્ય શિપ મેનેજમેન્ટ કંપનીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
અમેરિકાના આ પગલાથી ઈરાન સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય ઓઈલ વેપાર નેટવર્ક પર દબાણ વધવાની શક્યતા છે. ખાસ કરીને ઈરાની પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત, પરિવહન અને નાણાકીય વ્યવહારો સાથે સંકળાયેલા વેપારીઓ માટે આ પ્રતિબંધો મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

