VIDEO: ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ, દક્ષિણ કોરિયા સહિત અમેરિકા અને જાપાન ભડક્યાં
ઉત્તર કોરિયાએ રવિવારે કોરિયાઈ દ્વીપકલ્પના પૂર્વમાં સમુદ્ર તરફ એક બેલિસ્ટિક મિસાઇલ દાગી હતી. જાપાનના સંરક્ષણ મંત્રાલય અને દક્ષિણ કોરિયાના સંરક્ષણ દળો અનુસાર, આ મિસાઇલ ઉત્તર કોરિયાના વોનસાન વિસ્તારમાંથી છોડવામાં આવી હતી, અને તે જાપાનના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની બહાર જઈને પડી હતી. છેલ્લા એક સપ્તાહમાં ઉત્તર કોરિયાનો આ બીજો મિસાઇલ ટેસ્ટ છે. આ પહેલા 12 સપ્ટેમ્બરે પણ મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉત્તર કોરિયાનો આ આકરો નિર્ણય અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા વચ્ચે તાજેતરમાં યોજાયેલા સંયુક્ત નૌકાસૈન્ય અભ્યાસ બાદ આવ્યો છે. આ સૈન્ય કવાયત 29 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુઆમ નજીક યોજાઈ હતી. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે શુક્રવારે નિવેદન આપ્યું હતું કે, અમેરિકાની આગેવાની હેઠળની સૈન્ય કવાયતો જ કોરિયાઈ દ્વીપકલ્પમાં તણાવ વધારવા માટે જવાબદાર છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ઉત્તર કોરિયા પોતાના અણુશસ્ત્રોને મજબૂત કરવાની નીતિમાં કોઈ ફેરફાર કરશે નહીં.

