VIDEO: જિનપિંગને જતા-જતા ટ્રમ્પે આપી ચેતવણી, ચીન-અમેરિકા વચ્ચે 3 દિવસમાં કોઈ ડીલ નહીં
હાલમાં જ વિશ્વની બે સૌથી મોટી મહાસત્તાઓના પ્રમુખ વચ્ચે મુલાકાત થઈ, જેની વિશ્વના અનેક દેશોમાં ચર્ચા રહી. ચીનના પ્રમુખ શી જિનપિંગની ત્રણ દિવસીય અમેરિકા યાત્રા પૂર્ણ થઈ છે અને તેઓ શુક્રવારે વૉશિંગ્ટનથી બેઇજિંગ જવા રવાના થઈ ગયા છે. આ યાત્રા દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે વેપાર, ઈરાન, યુક્રેન, તાઇવાન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા અત્યંત સંવેદનશીલ વિષયો પર લાંબી ચર્ચા થઈ હતી. જોકે, આ ભવ્ય બેઠક બાદ કોઈ ઐતિહાસિક નવી ડીલ થઈ જ નથી. જિનપિંગના રવાના થતાં જ ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર બંને નેતાઓની તસવીર શેર કરીને America is back લખ્યું હતું, પરંતુ બંધ બારણે ટ્રમ્પે ચીનને ઈરાનના મામલે અત્યંત કડક ચેતવણી આપી દીધી હતી. આ સમગ્ર બેઠકમાં સૌથી ગંભીર મુદ્દો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ અને ઈરાનની ભૂમિકા રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપિંગને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે ચીન દ્વારા ઈરાનને કોઈપણ પ્રકારની સૈન્ય કે આર્થિક મદદ પૂરી પાડવામાં ન આવે. ચીનમાં અમેરિકી રાજદૂત ડેવિડ પરડ્યુના જણાવ્યા મુજબ, ટ્રમ્પે સાફ કરી દીધું હતું કે ઈરાનને પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ રીતે સહાય આપવી અમેરિકાને બિલકુલ સ્વીકાર્ય રહેશે નહીં. જવાબમાં ચીને અમેરિકાને ખાતરી આપી હતી કે તે ઈરાનને આવી કોઈ મદદ કરશે નહીં. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એવા અહેવાલો હતા કે ચીન ઈરાનને હથિયાર આપી શકે છે અથવા પ્રતિબંધો છતાં ઈરાની ક્રૂડ ઓઇલ ખરીદીને તેને મદદ કરી રહ્યું છે.

