Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : New York Mayor Mamdani slams Trump administration over Maduro's arrest

'આ યુદ્ધની જાહેરાત અને કાયદાનું ઉલ્લંઘન છે': માદુરોની ધરપકડ પર ન્યૂયોર્ક મેયર મામદાનીના ટ્રમ્પ સરકાર પર આકરા પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 04 Jan 2026
લાઇવ ટીવીGoogle News
'આ યુદ્ધની જાહેરાત અને કાયદાનું ઉલ્લંઘન છે': માદુરોની ધરપકડ પર ન્યૂયોર્ક મેયર મામદાનીના ટ્રમ્પ સરકાર પર આકરા પ્રહાર
સોર્સ : gstv

ન્યૂયોર્ક: અમેરિકી સેનાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કરીને તેમને ન્યૂયોર્કની ફેડરલ કસ્ટડીમાં મોકલવાની જે યોજના બનાવી છે, તેની સામે ન્યૂયોર્ક સિટીના મેયર જોહરાન મામદાનીએ લાલ આંખ કરી છે. મેયર મામદાનીએ આ સૈન્ય કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન ગણાવ્યું છે.

App Store

મેયર મામદાનીની ગંભીર ચેતવણી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં મેયર મામદાનીએ લખ્યું કે, "એક સાર્વભૌમ રાષ્ટ્ર પર એકપક્ષીય હુમલો એ માત્ર સૈન્ય કાર્યવાહી નથી, પરંતુ યુદ્ધની જાહેરાત છે. આ સંઘીય (Federal) અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે."

તેમણે વધુમાં ઉમેર્યું કે, સત્તા પરિવર્તન (Regime Change) માટેના આવા પ્રયાસો માત્ર વિદેશ નીતિને જ અસર કરતા નથી, પરંતુ ન્યૂયોર્ક શહેરમાં રહેતા હજારો વેનેઝુએલાના નાગરિકો સહિત તમામ ન્યૂયોર્કવાસીઓની સુરક્ષા પર તેની સીધી અસર પડશે. તેમનું વહીવટીતંત્ર આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે માર્ગદર્શિકા જારી કરશે.

ટ્રમ્પનો દાવો: "ડ્રગ ટ્રાફિકિંગ અને નાર્કો-ટેરરિઝમનો ચાલશે કેસ"

બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઓપરેશનને અમેરિકી સેનાની બહાદુરી ગણાવી છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, માદુરો અને તેમની પત્ની પર ન્યૂયોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટમાં ડ્રગ્સની હેરાફેરી અને નાર્કો-ટેરરિઝમનું કાવતરું ઘડવાનો આરોપ છે. આ મામલે હવે ન્યૂયોર્ક અથવા ફ્લોરિડામાં કાયદેસરનો કેસ ચલાવવામાં આવશે. ટ્રમ્પે દાવો કર્યો કે આ ઓપરેશનમાં વેનેઝુએલાની સૈન્ય શક્તિને સંપૂર્ણપણે નિષ્ક્રિય કરી દેવામાં આવી છે.

સંયુક્ત ઓપરેશન અને ધરપકડ

વેનેઝુએલાની રાજધાની કારાકસમાં અમેરિકી ગુપ્તચર એજન્સીઓ અને સેના દ્વારા રાત્રિના અંધારામાં આ ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માદુરો દંપતીને તેમના નિવાસસ્થાનેથી પકડીને દેશની બહાર લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમને બ્રુકલિનના ડિટેન્શન સેન્ટરમાં રાખવાની તૈયારીઓ ચાલી રહી હોવાના અહેવાલ છે.