VIDEO: ઇન્ડોનેશિયામાં રહસ્યમય ઘટના: 243 મુસાફરો ભરેલું આખું જહાજ દરિયામાં ગુમ, શોધખોળ માટે વ્યાપક સર્ચ ઓપરેશન
ઇન્ડોનેશિયાના જાવા સમુદ્રમાં ખરાબ હવામાનના કારણે 'વિર્ગો ટ્રાન્સપોર્ટ 8' (Virgo Transport 8) નામની પેસેન્જર ફેરી સાથે ગંભીર અકસ્માત સર્જાતા હડકંપ મચી ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે 102 મુસાફરોનો સફળતાપૂર્વક બચાવ કરવામાં આવ્યો છે. ઇન્ડોનેશિયાની સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના જણાવ્યા અનુસાર, આ જહાજ પર કુલ 243 લોકો સવાર હતા અને ખરાબ હવામાનના કારણે તેનો સંપર્ક તૂટી ગયો હતો. હાલ ગુમ થયેલા બાકીના મુસાફરોની શોધખોળ માટે વ્યાપક રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સુરાબાયાથી બાંઝારમાસિન જઈ રહી હતી ફેરી
આ દુર્ઘટનાગ્રસ્ત ફેરી સુરાબાયાથી રવાના થઈને સાઉથ કાલિમંતન રાજ્યના બાંઝારમાસિન શહેરમાં જઈ રહી હતી. છેલ્લી માહિતી મુજબ તે બાંઝારમાસિનથી લગભગ 150 કિલોમીટર (93 માઈલ) દક્ષિણમાં હતી. ઓપરેટર પીટી વિર્ગો દ્વારા રવિવારે સવારે 04:10 વાગ્યે પ્રથમ કટોકટી અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ જહાજે શનિવારે 10:33 વાગ્યે સુરાબાયાથી રવાના થઇ હતી. રવિવારે બપોરે 14:00 વાગ્યે બાંઝારમાસિન પહોંચવાનું નિર્ધારિત હતું.
સંયુક્ત ટાસ્ક ફોર્સ દ્વારા બચાવ કામગીરી
આ દુર્ઘટના બાદ ઇન્ડોનેશિયાની સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી, નૌકાદળ, મેરિટાઇમ પોલીસ અને અન્ય સંબંધિત વિભાગો દ્વારા એક સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ઘટનાસ્થળે અનેક જહાજો અને હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ જાવા સમુદ્રના આ વિસ્તારમાંથી પસાર થતા અન્ય તમામ જહાજોને પણ એલર્ટ કરીને મુસાફરોના કોઈ ચિહ્નો દેખાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના અપાઈ છે. બાંઝારમાસિનના ત્રિસક્તિ પોર્ટ વિસ્તારમાં આ દુર્ઘટનાને સંભાળવા માટે એક ઓપરેશન્સ પોસ્ટ પણ શરૂ કરવામાં આવી છે.
પરિવારજનોમાં ચિંતા અને આશાનો માહોલ
બંઝારમાસિન અને સુરાબાયાના બંદરો પર પોતાના સ્વજનોની રાહ જોઈ રહેલા પરિવારજનોમાં ભારે ચિંતા અને આતુરતા જોવા મળી રહી છે. ઘણા પરિવારજનો પોતાના સગા-સંબંધીઓની ભાળ મેળવવા માટે બંદરે પહોંચી ગયા છે. એક મુસાફરના પરિવારે જણાવ્યું કે પ્રવાસ દરમિયાન છેલ્લી વ્હોટ્સએપ સ્ટેટસ અપડેટમાં દરિયાના ઊંચા મોજાંઓ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા હાલ બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને તમામ લાપતા મુસાફરોને સુરક્ષિત બહાર લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

