કેનેડામાં એક સપ્તાહમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓની હત્યા મુદ્દે વિદેશ મંત્રાલય એક્શન મોડમાં

ભારત અને કેનડા વચ્ચે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા થયા બાદ કેનેડાની સરકાર ભારત પર સતત ગંભીર આક્ષેપો કરતી રહે છે, તો બીજી તરફ ભારત પણ તેના આક્ષેપોને પાયાવિહોણા ગણાવી જડબાતોડ જવાબ આપતું રહ્યું છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે કેનેડામાં એક સપ્તાહમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓની હત્યા થઈ છે, જેના કારણે ભારતે રોષ ઠાલવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ ઘટના બાદ ઓટાવા સ્થિત ભારતીય હાઈ કમિશને કેનેડા અધિકારીઓ સમક્ષ ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે.
આ પણ વાંચો : ભારતીય વિદ્યાર્થીના ઘરમાં ઘુસી ગોળી મારીને હત્યા, CCTVમાં કેદ થયું કેનેડાનું ગુંડારાજ
અમારા માટે ભારતીયોની સુરક્ષા ખૂબ જ મહત્ત્વપૂર્ણ : જયસ્વાલ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે (Randhir Jaiswal) કહ્યું કે, ‘કેનેડામાં ભારતીય નાગિરકોની સલામતી, સુરક્ષા અને કલ્યાણ અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કેનેડામાં છેલ્લા એક સપ્તાહમાં ત્રણ ભારતીયોની હત્યા કરવામાં આવી છે, જે એક કમનસીબ દુર્ઘટના છે. કેનેડામાં આપણા નાગિરકો સાથે થયેલી ભયાનક દુર્ઘટનાથી અમે દુઃખી છીએ.’
‘અમે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવીશું’
તેમણે કહ્યું કે, ‘અમે મૃતકના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છે. આ ઘટના મુદ્દે આપણા ટોરોન્ટો અને વેનકુવરના ઉચ્ચ કમિશન અને કોન્સ્યુલેટ્સ સંભવ તમામ મદદ કરી રહ્યા છે. અમે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવીશું. અમે કેનેડામાં ભારતીયો વિરુદ્ધની આ ઘટનાઓની ઊંડાણપૂર્વક તપાસ કરાવવા માટે સ્થાનીક અધિકારીઓના સંપર્કમાં છીએ.’
જ્યારે બેન્ક કર્મચારીની એક ભૂલને કારણે ટ્રાન્સફર થઇ ગયા 2000 કરોડ, જાણો પછી શું થયું?
ભારતને બદનામ કરવાનો પ્રયાસ
સત્તાવાર આંકડા મુજબ કેનેડામાં ચાર લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કેનેડા સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા વિઝા ન આપવાની ઘટનાના રિપોર્ટ અંગે પૂછવામાં આવતા જયસવાલે ‘રિપોર્ટોને ખોટી માહિતી ફેલાવવાનું અભિયાન ગણાવ્યું છે.’ તેમણે કહ્યું કે, કેનેડાની મીડિયા દ્વારા ભારતને બદનામ કરવા માટેનું આ એક ઉદાહરણ છે.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘ભારતીયોને વિઝા આપવા અમારું સાર્વભૌમ કાર્ય છે. જોકે જે લોકો આપણા દેશની અખંડિતતાને નુકસાન પહોંચાડે છે, તેને વિઝા આપવાનો ઈન્કાર કરવો આપણો કાનૂની અધિકાર છે.

