VIDEO: હવામાં 30,000 ફૂટે કોકપિટમાં ખૂની ખેલ! પાઈલટ્સ વચ્ચે મારામારી બાદ મોકલાયો હાઈજેક કોડ, સામે આવી રૂંવાડા ઊભા કરતી વિગતો!
દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં હવામાં બે પાઈલટ્સ વચ્ચે થયેલી કથિત મારામારી અને ઝઘડા બાદ ઈમરજન્સી સિગ્નલ મોકલવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. પ્લેનમાંથી એવો ચોક્કસ કોડ મોકલવામાં આવ્યો હતો જે સામાન્ય રીતે હાઈજેકિંગ અથવા વિમાનમાં ગેરકાયદેસર ઘૂસણખોરીનો સંકેત આપે છે. આ વિમાનમાં આશરે 180 મુસાફરો સવાર હતા. ઘટના સામે આવ્યા બાદ ઈઝરાયલ સરકારે આકરા તેવર અપનાવતા કહ્યું છે કે આ કૃત્ય કરનારા દોષિતો સામે હત્યારા જેવી જ આકરી કાર્યવાહી થવી જોઈએ.
દોષિતોને હત્યારા ગણીને સજા કરાશે: નાણામંત્રી સ્મોટ્રિચ
ઈઝરાયલના નાણામંત્રી બેઝલેલ સ્મોટ્રિચે આ ગંભીર બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ઈઝરાયલ ઘટનાના પરિણામ પર નહીં પરંતુ તેની પાછળના ઈરાદા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને જે પણ દોષિત જણાશે તેની સામે આકરા પગલાં લેવામાં આવશે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે જેમણે 180 નિર્દોષ ઈઝરાયલી નાગરિકોની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે, તેમને કોઈ પણ સંજોગોમાં હત્યારાની જેમ જ આકરી સજા મળવી જોઈએ. તેમની પાછળ કોઈ દેશ હોય કે આતંકી સંગઠન, કોઈને પણ છોડવામાં નહીં આવે. મુસાફરોની સુરક્ષા બદલ આભાર માનતા તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે ઈઝરાયલ પોતાના દુશ્મનોને શોધી-શોધીને નેસ્તનાબૂદ કરી દેશે.
તેલ અવીવ જતી ફ્લાયદુબઈની તમામ ફ્લાઈટ્સ રોકવા માંગ
આ ઘટનાના ગંભીર પડઘા વચ્ચે ઈઝરાયલના ટ્રાન્સપોર્ટ મંત્રી મિરી રેગેવે દુબઈથી તેલ અવીવ આવતી ફ્લાયદુબઈની તમામ ફ્લાઈટ્સને તાત્કાલિક ધોરણે રોકી દેવાની માંગ કરી છે. ઘટનાની ગંભીરતાને જોતાં તેમણે સમગ્ર મામલાની તપાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
UAE સાથેના એવિએશન કરારના ઉલ્લંઘનની તપાસ શરૂ
ટ્રાન્સપોર્ટ મંત્રી રેગેવે સિવિલ એવિએશન ઓથોરિટીને સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે થયેલા હવાઈ સેવા કરારનું કોઈ ઉલ્લંઘન થયું છે કે નહીં તેની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ દ્વિપક્ષીય કરાર હેઠળ માત્ર એવા જ દેશોના પાઈલટ્સને ઈઝરાયલની ધરતી પર વિમાન લેન્ડ કરવાની કાનૂની પરવાનગી મળે છે જેમના ઈઝરાયલ સાથે સત્તાવાર રાજદ્વારી સંબંધો હોય.
હવામાં અચાનક શું બન્યું હતું?
બોઈંગ 737 મેક્સ 8 વિમાને હવામાં અચાનક 77000 સ્ક્વોક કોડ મોકલ્યો હતો, જે સામાન્ય કટોકટીનો સંકેત આપે છે. તેના ગણતરીની સેકન્ડો બાદ વિમાનમાંથી 7500 કોડ પ્રસારિત કરાયો હતો. આ આંતરરાષ્ટ્રીય કોડ વિમાન હાઈજેક થયાની અથવા કોઈ ગેરકાયદે હસ્તક્ષેપની પુષ્ટિ કરે છે. આ એલર્ટ બાદ વિમાનનો રૂટ બદલવામાં આવ્યો હતો અને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર તેનું સલામત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
કોકપિટમાં પાઈલટ્સ વચ્ચે હિંસક ઝપાઝપીની આશંકા
ઈઝરાયલી મીડિયાના પ્રારંભિક અહેવાલો મુજબ, આ ઈમરજન્સી એલર્ટ કોઈ બહારના આતંકી તત્વોના હાઈજેકિંગને કારણે નહીં, પરંતુ બંને પાઈલટ્સ વચ્ચે કોકપિટમાં થયેલા હિંસક વિવાદને પગલે મોકલાયો હતો. પાઈલટ અને કો-પાઈલટ વચ્ચે કોકપિટની અંદર મારામારી થઈ હોવાનું પ્રાથમિક રિપોર્ટ્સમાં સામે આવ્યું છે.
પાઈલટના કથિત આત્મહત્યાના પ્રયાસથી હડકંપ
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ સનસનીખેજ દાવો કરવામાં આવી રહ્યો છે કે વિમાનના એક પાઈલટે કથિત રીતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે લગભગ 30000 ફૂટની ઊંચાઈએથી વિમાનને અચાનક અત્યંત ઝડપથી નીચે લાવવાની કોશિશ કરી હતી. જોકે, બીજા સતર્ક પાઈલટે તેને રોકવાનો પૂરો પ્રયાસ કર્યો હતો અને તે દરમિયાન બંને વચ્ચે ભારે સંઘર્ષ થયો હતો. જોકે, આ સંવેદનશીલ દાવાઓની હજુ સુધી સત્તાવાર રીતે સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

