VIDEO: હવામાં જ ટેક્નિકલ ખામી સર્જાતાં પ્લેન ક્રેશ; સેનાના 2 ટોચના અધિકારી સહિત 14નાં મોત
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DR Congo)માં શનિવારે સવારે એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં સેનાના બે ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 14 લોકોનાં મોત થયા છે. કોંગોની સેનાએ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. મૃતકોમાં સૈન્ય અદાલતના વડા લેફ્ટનન્ટ જનરલ મુતોમ્બો કાટાલાઈ તિયેંદે અને સશસ્ત્ર દળોના ઓડિટર જનરલ લેફ્ટનન્ટ જનરલ બાકુમી લિકુલિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડેલિગેશનના અન્ય સભ્યો અને વિમાનના ક્રૂ મેમ્બર્સ પણ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં સામેલ છે.
ટેક્નિકલ ખામી બાદ કેંગે વિસ્તારમાં પ્લેન ક્રેશ
કોંગોની સેનાના પ્રવક્તા મેજર જનરલ એફોમી એકેંગે જણાવ્યું હતું કે વિમાન દક્ષિણ-પશ્ચિમ કોંગોના કિકવિટ શહેરથી રાજધાની કિંશાશા પરત ફરી રહ્યું હતું. મુસાફરી દરમિયાન વિમાનમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. ત્યારબાદ વિમાન નિયંત્રણ ગુમાવીને કેંગે વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, વિમાનમાં સવાર તમામ 14 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.
અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ
દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોંગોની નાગરિક ઉડ્ડયન ઓથોરિટી અને સેનાએ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. વિમાનમાં કઈ ચોક્કસ ટેક્નિકલ સમસ્યા સર્જાઈ હતી અને અકસ્માત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર હતું કે નહીં તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
બે ટોચના અધિકારીઓના મોતથી સેનાને મોટો આંચકો
આ દુર્ઘટના એવા સમયે થઈ છે જ્યારે કોંગોની સેના દેશના પૂર્વીય વિસ્તારમાં M23 જેવા બળવાખોર જૂથો સામે સંઘર્ષ કરી રહી છે. આવી સંવેદનશીલ સ્થિતિમાં સેનાના બે ટોચના લેફ્ટનન્ટ જનરલના મોતથી કોંગોની સૈન્ય વ્યવસ્થાને મોટો આંચકો લાગ્યો છે. અકસ્માત બાદ ઘટનાની તપાસ અને મૃતકોની ઓળખ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

