જાપાનમાં દેશવ્યાપી મહામારી જાહેર, અઠવાડિયામાં 4,000 થી વધુ ફ્લુના દર્દીઓ નોંધાયા, શાળાઓ કરાઈ બંધ

જાપાનમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ફ્લુની સિઝન પાંચ અઠવાડિયાં વહેલી શરૂ થઇ ગઈ, દેશમાં 4,000 કરતાં વધારે ફ્લુના દર્દીઓ એક જ અઠવાડિયામાં નોંધાતાં સરકારે ફ્લુને દેશવ્યાપી મહામારી જાહેર કરી હતી. 22 સપ્ટેમ્બરથી શરૂ થતાં અઠવાડિયામાં 4030 ફ્લુના દર્દીઓની સારવાર દવાખાનાઓમાં કરવામાં આવી હતી. આગલા સપ્તાહની સરખામણીમાં 957 ફ્લુના કેસ વધારે નોંધાયા હતા. આ મહામારીને કારણે 135 જેટલી શાળાઓને બંધ કરી દેવામાં આવી હતી.
ફ્લુની સિઝન બની રહી છે કાયમી
બીજી તરફ હેલ્થ સાયન્સીઝ યુનિવર્સિટી ઓફ હોક્કાઇડોના પ્રોફેસર યોકો ત્સુકામોટોએ જણાવ્યું હતું કે, દુનિયામાં જળવાયુપરિવર્તનને કારણે હવામાનમાં થઇ રહેલાં ફેરફારોના પરિણામે હવે ફ્લુની સિઝન કાયમી બની રહી છે. દુનિયામાં વિમાન પ્રવાસ સરળ બની રહ્યો હોઇ તેના કારણે આ પ્રકારની ચેપી બિમારી ઝડપથી ફેલાય છે. વળી આ રોગના વાઇરસ તેની પરંપરાગત સારવારો સામે પ્રતિકાર વિક્સિત કરી ચૂક્યા હોઇ તેની સારવાર પણ પ્રમાણમાં લાંબી ચાલે છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલમાં જણાવ્યા અનુસાર, યામાગાટા પ્રિફેકચરમાં 36માંથી 22 વિદ્યાર્થીઓને ફ્લુ થઇ જતાં એક પ્રાથમિક શાળાને બંધ કરી દેવી પડી હતી. સરકારે લોકોને ફ્લુની બિમારી સામે સાવધાન રહેવા અને જરૂરી રસી સમયસર લઇ લેવાની તાકીદ કરી હતી. લોકોએ શેરીઓમાં માસ્ક પહેરીને ફરવાની શરૂઆત કરી નાંખી હતી.
જાપાનમાં 50 લાખ પંખીઓને મરાયા
ગયા વર્ષે ડિસેમ્બર 2024 ના છેલ્લા અઠવાડિયામાં પણ ફલુના 3,17,000 કેસો નોંધાયા હતા. હોલીડે સિઝન દરમ્યાન પ્રવાસનું પ્રમાણ વધતાં ફલુનો ચેપ વધારે ફેલાયો હતો. મોટાપાયે ફ્લુ ફેલાતાં આરોગ્ય તંત્ર પણ કથળી ગયું હતું અને ટેમી ફ્લુ નામની દવા પણ ખલાસ થઇ ગઇ હતી. એવિઅન ફ્લુનો ચેપ કાબૂ બહાર જતો રહેતાં જાપાનમાં જાન્યુઆરી 2025 માં 50 લાખ પંખીઓને મારી નાંખવામાં આવ્યા હતા.

