ઈઝરાયેલી સેનાનો દક્ષિણ લેબેનોનના 21 ગામોમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ, અત્યંત નાજુક તબક્કામાં સીઝફાયરની સ્થિતિ

વેસ્ટ એશિયામાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલી સીઝફાયરની સ્થિતિ હાલ અત્યંત નાજુક તબક્કામાં છે. અમેરિકાની મધ્યસ્થતાથી દસ દિવસના યુદ્ધવિરામનો અમલ શરૂ થયો હોવા છતાં, સરહદી વિસ્તારોમાં હજુ પણ તણાવ ચરમસીમાએ છે. ઈઝરાયેલની સેનાએ સોમવારે દક્ષિણ લેબેનોનના રહીશોને ચેતવણી આપી છે કે તેઓ સરહદ પાસેના વિસ્તારોમાં ન જાય, તેમજ લિતાની નદીની આસપાસના વિસ્તારોમાં જવાનું ટાળે. ઈઝરાયેલના આ કડક વલણ પરથી સ્પષ્ટ જણાય છે કે સીઝફાયર હોવા છતાં દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયલી સેનાની પકડ હજુ પણ મજબૂત છે અને તેઓ ઉત્તર ઈઝરાયેલની સુરક્ષા માટે બફર ઝોન બનાવવાની વ્યૂહનીતિ પર કામ કરી રહ્યા છે.
દક્ષિણ લેબેનોનના 21 ગામોમાં પ્રવેશ પર પ્રતિબંધ
ઈઝરાયલી સેનાએ સોશિયલ મીડિયા પર નકશો જાહેર કરીને દક્ષિણ લેબેનોનના 21 જેટલા ગામોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત, 50થી વધુ ગામોમાં લોકોને પરત ફરતા પણ રોકવામાં આવ્યા છે. ઈઝરાયલનું કહેવું છે કે તેઓ નાગરિક માળખામાં છુપાયેલા હિઝબુલ્લાહના નેટવર્કને નષ્ટ કરી રહ્યા છે. બીજી તરફ, લેબેનોનના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે સીઝફાયર પછી પણ ઈઝરાયેલે અનેક ગામોમાં મોટા પાયે તબાહી મચાવી છે, જે સ્પષ્ટપણે યુદ્ધ અપરાધ છે. આ ઘટનાક્રમ વચ્ચે અમેરિકા બંને પક્ષો વચ્ચે સીઝફાયર લંબાવવા માટે રાજદૂત સ્તરે બેઠકો યોજી રહ્યું છે, પરંતુ હિઝબુલ્લાહ આ પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યું છે.
નેતન્યાહૂ અને લેબેનોન વચ્ચે સીધી ચર્ચાની શક્યતા નહિવત
આ સંઘર્ષમાં અત્યાર સુધી લેબેનોનમાં આશરે 2300 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે હિઝબુલ્લાહના સેંકડો લડાયકો પણ માર્યા ગયા છે. ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ અને લેબેનોન વચ્ચે સીધી વાતચીતની શક્યતાઓ હાલ નહિવત દેખાઈ રહી છે. લેબેનોનની સેના અને સરકાર આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરી રહી છે, પરંતુ જમીની સ્તરે હજુ પણ સ્થિતિ ગંભીર છે. ઈઝરાયલી સેનાની દક્ષિણ લેબેનોનમાં સતત હાજરી અને સૈન્ય કાર્યવાહીને કારણે આવનારા દિવસોમાં યુદ્ધવિરામ ટકી રહેશે કે કેમ તે અંગે મોટો પ્રશ્ન ઊભો થયો છે.

