ખામેનીના મોત બાદ પણ અટક્યું નહીં ઈઝરાયલ, ઈરાનના 30 સ્થળો પર કર્યા હુમલા

અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પર હુમલામાં સુપ્રીમ લીડર અયાતોલ્લાહ ખામેનીના મોતની પુષ્ટિ ઈરાની મીડિયા સહિત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ કરવામાં આવી છે.
અમેરિકા અને ઈઝરાયેલે શનિવારે ઈરાન પર હુમલા કર્યા હતા, જેનાથી મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ)માં સૈન્ય તણાવ વધી ગયો છે, જે છેલ્લા ઘણા અઠવાડિયાથી યુદ્ધની અણી પર હતો. ઈઝરાયેલે જણાવ્યું હતું કે અમેરિકાના નેતૃત્વ હેઠળના ઓપરેશને અગાઉથી જ હુમલા કર્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'મોટા કોમ્બેટ ઓપરેશન' (યુદ્ધ અભિયાન)ની પુષ્ટિ કરી છે કારણ કે ઈરાનના અનેક ભાગોમાં વિસ્ફોટો સંભળાયા હતા.
ઈરાને વળતા પ્રહારમાં 'જડબાતોડ' જવાબ આપવાનો દાવો કરતા ઈઝરાયેલ અને મધ્ય પૂર્વમાં આવેલા અનેક અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. મધ્ય પૂર્વના દેશોએ પોતાનું એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ કરી દીધું છે, જ્યારે અનેક દેશોએ તેમના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે, જેમાં બિનજરૂરી અવરજવર ટાળવા માટે કહેવામાં આવ્યું છે.
ઈઝરાયેલમાં ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી
ઈઝરાયેલમાં ભારતીય રાજદૂત જે.પી. સિંઘે જણાવ્યું હતું કે અમે તે ભારતીયોના સંપર્કમાં છીએ જેઓ થોડા સમય માટે ઈઝરાયેલમાં છે અને બહાર જવાના છે. અત્યારે એરસ્પેસ બંધ છે, તેથી અમે સંબંધિત સત્તાવાળાઓ સાથે સંકલન કરી રહ્યા છીએ જેથી પરિસ્થિતિ મુજબ તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. હાલમાં, માર્ગ મુસાફરી માટે સ્થિતિ યોગ્ય નથી. ઈઝરાયલમાં ભારતીયો માટે અમે બે એડવાઈઝરી જારી કરી છે. દરેકને એડવાઈઝરી અને સ્થાનિક સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.
હુમલામાં સેંકડો અમેરિકી સૈનિકો માર્યા ગયા: ઈરાનનો દાવો
એક અહેવાલ મુજબ, ઈરાની IRGC (ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ)એ દાવો કર્યો છે કે અમેરિકાના 14 બેઝ (સૈન્ય મથકો)ને નિશાન બનાવવામાં આવ્યા છે. આ વળતી કાર્યવાહીમાં સેંકડો અમેરિકી સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

