VIDEO: શું પુતિન જાપાન સામે યુદ્ધની તૈયારી કરી રહ્યા છે?, પરમાણુ સબમરીન સાથે રશિયન સેના તૈનાત
રશિયા અને જાપાન વચ્ચે વિવાદિત ટાપુઓને લઈને તણાવ વધી રહ્યો છે. TASS સમાચાર એજન્સી અનુસાર રશિયાએ કુરિલ આઇલેન્ડ્સ પાસે મોટા પાયે લશ્કરી કવાયત શરૂ કરી છે, જેમાં ન્યૂક્લિયર સબમરીન અને ગાઇડેડ મિસાઇલ ક્રૂઝર શામેલ છે. રશિયાએ એટારોફુ ટાપુ પરથી એન્ટી-શિપ મિસાઇલોનું સફળ પરીક્ષણ પણ કર્યું છે, જેની સામે જાપાને સખત વાંધો ઉઠાવ્યો છે. રશિયાની પેસેફિક ફ્લિટ દ્વારા ગુરુવારે એટારોફુ ટાપુ પરથી બાસ્ટિયન એન્ટી-શિપ મિસાઇલો છોડવામાં આવી હતી. રશિયન સંરક્ષણ મંત્રાલય મુજબ, આ કવાયતમાં દુશ્મનના જહાજો પર હુમલાની સ્થિતિનો અભ્યાસ કરાયો હતો, અને 300 કિલોમીટર દૂર રહેલા તમામ લક્ષ્યોને ચોકસાઈથી વીંધવામાં આવ્યા હતા. આ લશ્કરી કવાયત એવા સમયે હાથ ધરાઈ છે, જ્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિન તાજેતરમાં જ એટારોફુ ટાપુની મુલાકાતે પહોંચ્યા હતા. ચાર વિવાદિત ટાપુઓમાં આ સૌથી મોટો ટાપુ છે. જાપાન તેને નોર્ધર્ન ટેરિટરીઝ કહે છે, જ્યારે રશિયા તેને કુરિલ આઇલેન્ડ્સનો ભાગ માને છે. રશિયાની આ લશ્કરી ગતિવિધિઓ પર જાપાને આકરો વિરોધ નોંધાવ્યો છે. જાપાનના વિદેશમંત્રી ટોશિમિસ્ત્સુ મોટેગીએ જણાવ્યું કે, ચાર ઉત્તરીય ટાપુઓ પર રશિયા દ્વારા લશ્કરી શક્તિ વધારવાના પ્રયાસોને જાપાન સહન નહીં કરે, કારણ કે, આ જાપાનના સાર્વભૌમત્વના વલણની વિરુદ્ધ છે.

